વેરાવળ તાલુકાના ડારી ગામે હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક અને રક્તરંજિત ઘટના સામે આવી છે. ૧૨ ડિસેમ્બરના રોજ સવારે દસેક વાગ્યે પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યારા પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ જવા પામી છે. ડારી ગામે પિયર રિસમણે રહેતી ૪૨ વર્ષીય ચંપાબેન વિનોદભાઈ ધોળીયા પર તેમના પતિ વિનોદ સોમાએ અચાનક હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવી હતી. ઇજાગ્રસ્ત ચંપાબેનને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના કાકા હીરાભાઈ ચંડપાએ જણાવ્યું હતું કે, ચંપાબેન છેલ્લા પાંચેક મહિનાથી પિયર ડારી ગામે રહેતી હતી. દાંપત્ય જીવનમાં વર્ષોથી તણાવ અને કલહ ચાલતો હતો. પતિના ત્રાસથી કંટાળીને ચંપાબેને ભરણ-પોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. આ તમામ વિવાદ વચ્ચે અચાનક પતિએ પિયર આવી આ ઘાતક પગલું ભર્યું હતું.









































