કુડાસણ ખાતે રહેતા અને અડાલજ તેમજ પોર ગામમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન ધરાવતા યુવાન ખેડૂત સાથે હથિયારનો પરવાનો અપાવવાની લાલચ આપી ૧૫ લાખ રોકડા પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્વરક્ષણ માટે પરવાનો મેળવવાની ઘેલછામાં ઠગાઈનો ભોગ બનેલા ખેડૂતે જ્યારે પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ વધુ ૪.૭૦ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે ચાર શખ્સો સામે છેતરપિંડી અને ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કુડાસણની કેશવ આરાધ્યમ સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય જય રાજેન્દ્રકુમાર પટેલ ખેતીનો વ્યવસાય કરે છે. પોર અને અડાલજ ગામની સીમમાં તેમની કરોડો રૂપિયાની વડીલોપાર્જિત જમીન આવેલી હોવાથી અસામાજિક તત્વો દ્વારા જમીન હડપ કરવાના કાવતરાંની આશંકાને કારણે તેઓ પોતાની સુરક્ષા માટે ચિંતિત હતા. એપ્રિલ-૨૦૨૬ દરમિયાન તેમણે આ અંગે પોતાના મિત્ર કૃષ્ણકાંત પારસનાથસિંહ રાજપૂત સાથે વાતચીત કરી હતી. કૃષ્ણકાંતે ગાંધીનગરમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનો દાવો કરીને સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો અપાવવાની ઓફર કરી હતી.
શરૂઆતમાં કૃષ્ણકાંતે ૩૮ લાખની માગણી કરી હતી, પરંતુ મિત્રતાના નાતે ૨૦ લાખમાં કામ કરી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ જય પટેલ વિદેશ પ્રવાસે ગયા હતા. આ સમય દરમિયાન કૃષ્ણકાંતે ફોન કરી સરકારી કામગીરી પૂરી થઈ ગઈ હોવાનું કહી એડવાન્સ પેટે ૧૫ લાખ માગ્યા હતા. જેથી જય પટેલે પોતાના મિત્ર કેયુર પટેલ મારફતે ૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ કુડાસણની કંસાર ચોકડી ખાતે કૃષ્ણકાંતના માણસો શ્રવણ મેવાડા અને અન્ય એક અજાણ્યા શખ્સને ૧૫ લાખ રોકડા પહોંચાડ્યા હતા.
વિદેશથી પરત આવ્યા બાદ જય પટેલે હથિયાર પરવાના અંગે પૂછપરછ શરૂ કરતા આરોપીઓએ ગોળ-ગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જય પટેલે પોતાના ?૧૫ લાખ પરત માંગ્યા હતા. નાણાં પરત આપવાના બદલે આરોપીઓએ ગાળો આપી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ગત ૫ ઓગસ્ટે અમિત રબારી નામના શખ્સે ફોન કરી વધુ ૪.૭૦ લાખની માગણી કરી હતી અને નાણાં ન આપે તો બંદૂકથી ગોળી મારી દેવાની તેમજ અપહરણ કરવાની ધમકી આપી હતી.
પોતાનો જીવ જોખમમાં જણાતાં જય પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અમિત રબારી, કૃષ્ણકાંત રાજપૂત, શ્રવણ મેવાડા અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી દ્વારા નાણાં આપ્યા સમયના વીડિયો અને ધમકીભર્યા ફોન કોલના રેકો‹ડગ સહિતના તમામ મજબૂત પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.








































