સુરતના અમરોલીમાં જાફરાબાદની એક પરિણીતાને તેના સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. નાની-નાની બાબતોમાં રોકટોક કરવા સાથે કરિયાવરની માંગણી કરી પરિણીતાને હેરાન કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે જાફરાબાદમાં રહેતી પાયલબેન લલિતભાઈ મેરીયા (ઉ.વ.૩૦)એ સુરતના અમરોલીમાં રહેતા પતિ અમીતભાઈ નાનજીભાઈ ચાવડા, નાનજીભાઈ વિરાભાઈ ચાવડા, રમીલાબેન નાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતા સાથે તેના પતિ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. પતિ ઉપરાંત ઘરના અન્ય સભ્યો દ્વારા પણ પરિણીતાને અવારનવાર મેણાટોણા મારીને પરેશાન કરવામાં આવતી હતી. નાની એવી બાબતોમાં પણ રોકટોક કરીને પરિણીતાનું જીવવું દુષ્કર કરી દેવામાં આવ્યું હતું.
સાસરિયાઓ દ્વારા માત્ર મેણાટોણા જ નહીં, પરંતુ વધુ કરિયાવર લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. શારીરિક અને માનસિક ત્રાસ આપીને પરિણીતાને દુઃખ પહોંચાડવામાં આવતું હતું. આ ત્રાસમાં સાસરિયાઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.