સાવરકુંડલા શહેરમાં વર્ષ ૨૦૨૪ના એક જૂના બળાત્કારના કેસમાં સમાધાન કરવા માટે ફરિયાદીના ઘરે જઈ ધાક-ધમકી આપવાની ઘટના સામે આવી હતી. ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની અદાવત રાખી આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદીના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી આતંક મચાવ્યો હતો. આ અંગે મહેશભાઇ કિશનભાઇ પઢીયાર (ઉ.વ.૪૦) એ જયરાજભાઇ નનકુભાઇ મોટીયાર, રાજુ ઉર્ફે રાજેશભાઇ બંસીદાસ હરીયાણી, કેતનભાઇ બંસીદાસ હરીયાણી તથા ધર્મેશભાઇ બંસીદાસ હરીયાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના ભાભીએ વર્ષ ૨૦૨૪માં ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓએ એક મુખ્ય આરોપી અને એક અજાણ્યા શખ્સને ફરિયાદી વિરૂદ્ધ ચડામણી કરી તેમના ઘરે મોકલ્યા હતા. આરોપીઓએ તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તેમજ બિભત્સ ગાળો ભાંડી હતી અને જો આ કેસમાં સમાધાન નહીં કરો, તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































