સાવરકુંડલા શહેરમાં રોડ પર લારી ઊભી રાખી લાઇસન્સ કે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્‌ટીની વ્યવસ્થા વિના ગેરકાયદેસર અને જોખમી રીતે ફટાકડા વેચી રહેલા એક શખ્સ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, તહેવારો દરમિયાન જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુથી અમરેલી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અન્વયે અધિકૃત મંજૂરી અને સુરક્ષા વ્યવસ્થા વિના ફટાકડાનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ દરમિયાન સાવરકુંડલા ખાતે રોડ ઉપર એક લારી રાખીને જનકભાઈ ભરતભાઈ યાદવ (ઉ.વ.૨૮) યોગ્ય લાઇસન્સ કે પાસ-પરમિટ મેળવ્યા વિના વિવિધ બ્રાન્ડના ફટાકડાનું વેચાણ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સ્થળ પર તપાસ કરતા ફટાકડાના વેચાણ માટે જરૂરી એવાં કોઈ પણ ફાયર સેફ્‌ટીનાં સાધનો પણ રાખવામાં આવ્યા નહોતા.જાહેર માર્ગ પર લોકોની સુરક્ષા જોખમાય તે રીતે કલેક્ટરના હુકમનું ઉલ્લંઘન કરી ફટાકડા વેચતા મળી આવેલા આરોપી વિરુધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ. જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.