લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકચાલક યુવકને લિફ્ટ માગવાના બહાને હનીટ્રેપમાં ફસાવી અપહરણ અને ખંડણી પડાવવાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સુરતના મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. માહિતી મુજબ એક મહિલાએ દામનગર સુધી લિફ્ટ માગી હતી અને રસ્તામાં સરોવર કાંઠે ફોટો પાડવાના બહાને બાઈક ઉભું રાખાવ્યું હતું. તે દરમિયાન અગાઉથી તૈયાર બેઠેલા સાગરીતોએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. આરોપીઓએ અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ગૂગલ પે તેમજ ક્યુઆર કોડ મારફતે યુવક પાસેથી બળજબરીથી ૫૮ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠીયા, નિલેશ ગૌસ્વામી, રાજુ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.





































