બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કુલ ૧૪ બેઠકો માટે તા. ૨૮ સપ્ટેમ્બરે મતદાન યોજાયું હતું અને તા. ૨૯ સપ્ટેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે કુલ ૨૯ ઉમેદવારો મેદાનમાં હતા. વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના લલીતભાઈ આંબલીયા અને ખોડીદાસભાઈ ભંડેરી વિજેતા બન્યા હતા, જ્યારે અપક્ષ રાજેશભાઈ મકવાણા અને વિજયભાઈ રાઠોડનો પણ વિજય થયો હતો. ખેડૂત વિભાગમાં રમેશભાઈ નાથાભાઈ, જયસુખભાઈ કલકાણી, અજીતભાઈ ખોખરીયા, નિર્મલભાઈ ચાવડા, ચનાભાઈ ઝાપડિયા, જગદીશભાઈ નાકરાણી, હિંમતભાઈ પાનસેરિયા, મહેશભાઈ ભાયાણી, અશોકભાઈ રાખોલીયા અને જીવાજીભાઈ રાઠોડ વિજેતા બન્યા હતા. પરિણામ બાદ સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી બાબરા ખાતે ઉપસ્થિત રહી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી અંગે ચર્ચા શરૂ થઈ છે.