ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે ફરી એકવાર ઉદારતા બતાવીને એક ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે તાજેતરમાં વધેલા પગાર અને ભથ્થાં છોડી દેવાની જાહેરાત કરી છે. વધુમાં, નવીન પટનાયકે રાજ્ય સરકારને આ રકમનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરવા વિનંતી કરી છે. ૯ ડિસેમ્બરના રોજ, રાજ્ય વિધાનસભાએ મુખ્યમંત્રી, સ્પીકર, વિરોધ પક્ષના નેતા, મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં વધારો કરતા બિલને મંજૂરી આપી હતી. આ બિલ હેઠળ, વિરોધ પક્ષના નેતા તરીકે, નવીન પટનાયક ૩.૬૨ લાખનો માસિક પગાર અને ભથ્થો મેળવવા માટે હકદાર રહેશે.વિપક્ષના નેતા નવીન પટનાયકે આ સંદર્ભમાં મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને પત્ર લખ્યો છે. તેમના પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, “હું ઓડિશા વિધાનસભા દ્વારા વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થામાં તાજેતરમાં થયેલા વધારાને સ્વીકારવા માંગતો નથી. હું તમને વિનંતી કરું છું કે આ રકમનો ઉપયોગ આપણા રાજ્યના ગરીબ લોકોના કલ્યાણ માટે કરો.” પાંચ વખત ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂકેલા પટનાયકે કહ્યું કે તેઓ ૨૫ વર્ષથી વધુ સમયથી ઓડિશાના લોકોનો પ્રેમ, સ્નેહ અને ટેકો મેળવવા માટે ભાગ્યશાળી રહ્યા છે. પટનાયકે કહ્યું, “હું ઓડિશાના લોકોનો અને તેમણે મને અને મારા સ્વર્ગસ્થ પિતા બીજુ પટનાયકને જે પ્રેમ બતાવ્યો તેનો ખૂબ જ ઋણી છું.”નવીન પટનાયકે વધુમાં કહ્યું, “તમે (મુખ્યમંત્રી) કદાચ જાણતા હશો કે ૨૦૧૫ માં અમારા પરિવારે કટકમાં આવેલી અમારી પૂર્વજાની મિલકત ‘આનંદ ભવન’ ઓડિશાના લોકોના ઉપયોગ માટે દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. આ ભાવનાથી પ્રેરિત થઈને, હું ઓડિશા વિધાનસભા દ્વારા વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થામાં તાજેતરમાં થયેલા વધારાને સ્વીકારવા માંગતો નથી.” સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પટનાયકના સ્વર્ગસ્થ પિતા બીજુ પટનાયક ૧૯૯૦ થી ૧૯૯૫ દરમિયાન બીજી વખત ઓડિશાના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને રાજ્ય વિધાનસભામાંથી પગાર અને ભથ્થા તરીકે ફક્ત એક રૂપિયો મળતો હતો.