ચીખલી ચાર રસ્તા પાસે મુંબઈથી અમદાવાદ હાઈવે પરથી રૂ. ૫૦ લાખની બિનહિસાબી રોકડ ચલણી નોટો ઝડપાઈ છે. ટેમ્પોમાં પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવાતી મોટી રકમ ઝડપાતા વિવિધ ટીમો તપાસમાં જાડાઈ છે. પોલીસે ડ્રાઈવર ગૌરીશંકર શ્યામસિંહ પરમાર (રહે. રાજસ્થાન) અને ક્લીનર પ્રમોદસિંહ રાધેશ્યામ પરમારની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે ઇન્કમ ટેક્સ વિભાગને રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ચીખલી ને.હા.ને.૪૮ના ઓવરબ્રિજના દક્ષિણ છેડે પ્રોહિબિશન માટે પોલીસની ટીમ વોચમાં હતી. તે દરમિયાન એક ટેમ્પો (નં. ટીએન-૧૧-યુસી-૭૬૩૦) શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી તલાશી લીધી હતી. ટેમ્પામાં અલગ-અલગ ચાર પાર્સલોમાં ભારતીય ચલણી નોટો મળી આવી હતી. જેમાં રૂપિયા ૧૦, ૨૦ અને ૫૦ના દરની નવી નક્કોર નોટોના રૂ. ૫૦ લાખના બંડલો કે જે કુરિયરના પાર્સલની આડમાં બિનઅધિકૃત રીતે રાખી લઈ જવામાં આવી રહ્યા હતા.
રોકડની વિગતો જાઈએ તો, ૧૦ ના દરની ૨,૨૮,૦૦૦ નોટ (રૂ. ૨૨.૮૦ લાખ), ૨૦ના દરની ૧,૧૬,૦૦૦ નોટ (રૂ. ૨૩.૨૦ લાખ) અને રૂપિયા ૫૦ના દરની ૮,૦૦૦ નોટ (રૂ. ૪ લાખ) મળી આવી હતી.
પોલીસે નાણાંની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડી આવકવેરા વિભાગને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક તરફ આમ પ્રજાને નાણાકીય વ્યવહારમાં રૂ. ૧૦ અને ૨૦ની નોટો મળતી નથી તો બીજી તરફ રૂ. ૫૦ લાખની નવી નક્કોર નોટો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. આ નોટોમાં બંધ થઈ ગયેલી રૂ. ૨૦૦૦ના દરની ૧૮ નોટો પણ છે. ચીખલી પોલીસની પ્રાથમિક તપાસમાં આ માતબર રકમ સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે કેટલાક શખ્સોને પહોંચાડવાની હતી.