કોંગ્રેસ અને અન્ય ઘણા વિપક્ષી પક્ષો ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસઆઇઆર પ્રક્રિયા સામે વિરોધ ચાલુ રાખી રહ્યા છે. વિપક્ષ ચૂંટણી પ્રક્રિયા અંગે સતત પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. હવે, ચૂંટણી પંચ અંગે વધતા પ્રશ્નો વચ્ચે, ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ એક મોટું પગલું ભર્યું છે. એક ખુલ્લા પત્રમાં, તેમણે ચૂંટણી પંચને નબળા પાડવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે.ભૂતપૂર્વ ન્યાયાધીશોએ તેમના પત્રમાં કડક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેમાં ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓને નબળા પાડવાના ચાલી રહેલા અભિયાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પત્ર પર હસ્તાક્ષર કરનારા ભૂતપૂર્વ ન્યાયાધીશોએ કોઈપણ પુરાવા વિના “મત ચોરી” ના આરોપો પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે બંધારણીય સંસ્થાઓને વારંવાર ચોર અને ભાગીદાર તરીકે લેબલ કરવાથી લોકશાહીમાં લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે.
તેમના પત્રમાં, ભૂતપૂર્વ ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે સંસ્થાઓની ટીકા કરવી એ લોકશાહી અધિકાર છે, પરંતુ તેમને બદનામ કરવું એ નથી. તેમણે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો બચાવ કર્યો હતો, ભાર મૂક્્યો હતો કે તે સ્વચ્છ અને સચોટ મતદાર યાદી સુનિશ્ચિત કરવાના હેતુથી એક કાનૂની પ્રક્રિયા છે. ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્રમાં ચેતવણી આપી હતી કે વિશ્વાસ એ લોકશાહીની સાચી મૂડી છે અને ચૂંટણીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસો અશાંતિ ફેલાવી શકે છે અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી શકે છે.
કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં, વિપક્ષી દળોએ કનોટ પ્લેસથી રાજઘાટ સુધી કૂચ કરી. બધા નેતાઓ ત્રણ બસોમાં રાજઘાટ જવા રવાના થયા. વિપક્ષી નેતાઓ રાજઘાટ પહોંચ્યા પછી વિરોધ પ્રદર્શન થવાની ધારણા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આશરે ૩૦૦ રાજ્યસભા અને લોકસભા સાંસદો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માંગે છે. “અમને છેલ્લા બે દિવસથી વિરોધ પ્રદર્શન કરતા અટકાવવામાં આવ્યા છે. પહેલા દિવસે, અમને ચૂંટણી પંચની બહાર રોકવામાં આવ્યા હતા. હવે, અમને જંતરમંતર જવાથી અટકાવવામાં આવ્યા છે,” તેમણે કહ્યું.






































