ગુજરાતમાં ધુળેટીનો તહેવાર આ વર્ષે અનેક પરિવારો માટે ગોઝારો સાબિત થયો છે. રંગો અને આનંદના તહેવાર તરીકે ઉજવાતી ધુળેટી દુર્ભાગ્યવશ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડૂબી જવાની ઘટનાઓને કારણે માતમમાં ફેરવાઈ ગઈ છે. દિવસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ બનેલી દુર્ઘટનાઓમાં કુલ ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં ડૂબી જતાં ૪ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાંસલપુર નજીક સીતાપુર ગામના ઝોલાસર તળાવમાં નાહવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ૧૧ વર્ષીય સૌરભ અશોક રાઠોડ, ૯ વર્ષીય પાર્થિવ મહેશ રાઠોડ અને ૯ વર્ષીય કૌશિક રાઠોડ ધુળેટી રમ્યા બાદ તળાવમાં નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતાં ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ  ખસેડાયા હતા.
મહિસાગર જિલ્લાના રાઘવના મુવાડા ગામે તળાવમાં નાહવા ગયેલા ચાર યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે મહેનત બાદ યુવકોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ડૂબવાના કારણે પાંચ લોકોના મોત નોંધાયા છે.
સુરત જિલ્લાના માંગરોળના પાનસરા વિસ્તારમાં કીમ નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનોના પણ ડૂબી જવાથી મોત થયા હતા. ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી કીમ પીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. બનાવને લઈને પલોડ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ ઉપરાંત અરવલ્લીના માલપુરમાં તળાવમાં ડૂબતાં ૨ બાળકોના મોત થયા હતા. તો અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જતાં એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ રીતે વિવિધ બનાવોમાં ગુજરાતમાં ધૂળેટીના તહેવાર દરનિયાન ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.