ગુજરાતના ધારાસભ્યો માટે રાજ્ય સરકાર દ્વારા મુસાફરી ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે માનનીય ધારાસભ્યો દેશના કોઈપણ ખૂણે વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં એકઝીકયુંટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને નવી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉના નિયમ મુજબ ધારાસભ્યોને ટ્રેનમાં પ્રથમ અથવા દ્વિતીય કક્ષાના એસી કોચમાં મુસાફરી કરવાની છૂટ હતી, પરંતુ બદલાતા સમય અને નવી આધુનિક ટ્રેનોના આગમન સાથે નિયમોમાં ફેરફાર કરાયો છે જે મુજબ હવે ધારાસભ્યો વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોના સૌથી લક્ઝુરિયસ ગણાતા ‘એકઝીકયુંટિવ ક્લાસ’નો લાભ લઈ શકશે. આ સુવિધા હેઠળ ધારાસભ્યો એક નાણાકીય વર્ષમાં રાજ્યમાં ૧૦,૦૦૦ કિમી અને રાજ્ય બહાર ૨૦,૦૦૦ કિમી સુધીની મુસાફરી કરી શકે છે.
મુસાફરી ભથ્થા ઉપરાંત ધારાસભ્યોને મળતી અન્ય સુવિધાઓ પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે અત્યાધુનિક લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફ્લેટમાં ૩ બેડરૂમ, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ અને સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ છે, જ્યારે તેના સંકુલમાં સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, ગાર્ડન અને ઓડિટોરિયમ જેવી ફાઈવ સ્ટાર સગવડો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આટલી બધી મોર્ડન સુવિધાઓ ધરાવતા ફ્લેટનું માસિક ભાડું માત્ર રૂપિયા ૩૭.૫૦ છે.
ધારાસભ્યોને પોતાની કાર માટે પણ ખાસ ભથ્થું આપવામાં આવે છે. તેમને પ્રતિ લિટર પેટ્રોલ પર ૧૧, ડીઝલ પર ૧૦ અને સીએનજી પર ૯ લેખે કાર એલાઉન્સ ચૂકવવામાં આવે છે. તાજેતરમાં પગાર ભથ્થા વધારવા માટે મળેલી સમિતિની બેઠક બાદ આ મુસાફરી સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.