ખાંભા પોલીસ સ્ટેશન હેઠળ માત્ર ત્રણથી ચાર પોલીસ ચોકીઓ કાર્યરત હોવાથી તાલુકાનાં ૫૬ ગામોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. હાલમાં ખડાધાર, ડેડાણ અને ઇંગોરાળા સહિતના વિસ્તારોમાં પોલીસ ચોકીઓ કાર્યરત છે. સ્થાનિકોની માંગ છે કે દર દસ ગામ દીઠ એક પોલીસ ચોકી સ્થાપવામાં આવે અને ખેડૂતો તથા ગ્રામજનોની સુરક્ષા માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. ગામડાઓમાં ઝટકા મશીનોની મોટરોની ચોરી, અન્ય નાની-મોટી ચોરીઓ તેમજ ખેડૂતોની તારની વાડને નુકસાન પહોંચાડવાના બનાવો બનતા હોવાની ફરિયાદો છે. ઉપરાંત, અનેક ગામોમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગીરના પ્રવેશદ્વાર સમાન ખાંભા તાલુકામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા વધારાની પોલીસ ચોકીઓ શરૂ કરવા અને પોલીસ કર્મચારીઓની ઘટ પૂરી કરવા સ્થાનિકોએ ધારાસભ્ય, અમરેલી જિલ્લા પોલીસ વડા તથા ખાંભા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.