ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ફેબ્રુઆરી મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતરોમાં લહેરાતો ઘઉંનો ઉભો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ, આણંદપુર, ઘાંટવડ, ગીરદેવળી, નવાગામ અને પેઢાવાડા તેમજ સુત્રાપાડા તાલુકાના મોરડીયા અને પ્રાસલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. જેના કારણે તૈયાર થવાની અણી પર રહેલો રવિ પાક, ખાસ કરીને ઘઉંનો પાક પવનના કારણે ઢળી પડ્‌યો છે. આનાથી ઘઉંના દાણા કાળા પડવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ચણા અને જીરાના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, કેસર કેરીના ગઢ ગણાતા આ વિસ્તારમાં આંબા પર આવેલા મોર (ફૂલ) ખરી પડવાની અને વાદળછાયા વાતાવરણથી તેમાં જીવાત પડવાની શક્યતા વધતા કેરી પકવતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ખુલ્લા ખેતરોમાં રાખેલું ઘાસચારો અને શાકભાજી પણ માવઠાની ઝપેટમાં આવી ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કુદરતી આફતનો ભોગ બનતા તેમનો આર્થિક કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.