કોડીનાર તાલુકા પંચાયતના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ ૨૪ બેઠકો ધરાવતી આ પંચાયતમાં કોંગ્રેસ પાસે ૧૨, ભાજપ પાસે ૧૧ અને એક અપક્ષ સભ્ય હોવાથી સત્તા મેળવવા માટે ખેંચતાણ તેજ બની છે. પક્ષપલટાના ડરથી કોંગ્રેસના ૧૨ સભ્યોને દ્વારકાના અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન દ્વારકા પોલીસે હોટલને ઘેરી લઈને સભ્યોની પૂછપરછ કરી હોવાના અને નિવેદનો નોંધ્યા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. મિતિયાજ બેઠકના સદસ્યના પ્રતિનિધિ સૂરપાલ બારડે આક્ષેપ કર્યો છે કે પોલીસે સભ્યોને ધાકધમકી આપી હતી. વધુમાં, ઓખામાં ફિશિંગ વ્યવસાય સાથે સંકળાયેલા મનોજ મોરીને પણ પોલીસે હસ્તગત કર્યા હોવાનો દાવો તેમની પત્નીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને કર્યો છે, જેનાથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.









































