સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (એસઆઇઆર) અને મતદાર યાદી પર ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ, ‘એકસ’ પર એક પોસ્ટમાં, રાહુલ ગાંધીએ ‘મત ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે બંધારણના દુશ્મનોનો પર્દાફાશ થયો છે અને ન્યાય થશે.
રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ એવા સમયે આવી છે જ્યારે એસઆઇઆર અને મતદાર યાદીઓ સંબંધિત નિર્ણયો અંગે ચૂંટણી પંચમાં કથિત મતભેદોના અહેવાલો બહાર આવ્યા બાદ વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું છે. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત કમિશનના કેટલાક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ અહેવાલ પ્રકાશિત થયા પછ૦ી, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા, એસઆઇઆર પર પ્રતિબંધ મૂકવા અને ચૂંટણી પંચની કામગીરીની તપાસની માંગ કરી છે. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
આ દરમિયાન, ચૂંટણી પંચે આંતરિક મતભેદો માટે એક અલગ સમજૂતી રજૂ કરી છે, જેમાં જણાવ્યું છે કે અલગ અલગ મંતવ્યો અને ટિપ્પણીઓ સામાન્ય ચર્ચાનો ભાગ છે. કમિશન અનુસાર,એસઆઇઆર સહિત તેના નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરીથી સર્વાનુમતે લેવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ અગાઉ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. બુધવારે, તેમણે ‘મત ચોરી’ને ભારતીય લોકો સામે ગુનો અને બંધારણ પર સીધો હુમલો ગણાવ્યો હતો. ભાજપ અને ચૂંટણી પંચે આ આરોપો પર અલગ અલગ પ્રતિભાવો આપ્યા છે.








































