રાજકોટ શહેર એસઓજીએ ઓરિસ્સાથી રાજકોટ તરફ આવી રહેલા ટ્રકમાંથી રૂ.૧.૦૪ કરોડથી વધુની કિંમતનો ૨૦૪ કિલોથી વધુ ગાંજાનો જથ્થા સહિત ૧.૫૦ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રકચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનો મુખ્ય સપ્લાયર અને રાજકોટમાં જથ્થો મેળવનાર તેના સાથીદારને પકડવા તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ સંદર્ભે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર તપાસ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
રાજકોટ જેસીપી ચૈતન્ય માંડલિક દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસઓજીની ટીમ છેલ્લા ૧૯ દિવસથી ગાંજાની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે સમગ્ર નેટવર્ક પર નજર રાખી રહી હતી. જે અંતર્ગત એસઓજીની ટીમ દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. જે અંતર્ગત બાતમી આધારિત ટ્રક પસાર થતાં તેને અટકાવ્યો હતો.ટ્રકની પ્રાથમિક તપાસમાં મોટી સંખ્યામાં સ્ટીલના પાઇપ મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને પાઇપોની પાછળ અલગ-અલગ રંગના બાચકાઓમાં છુપાવેલા પાર્સલ મળી આવ્યા હતા. પાર્સલ ખોલતાં વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.એફએસએલની તપાસમાં આ પદાર્થ ગાંજા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે કુલ ૨૦૪ કિલોથી વધુ ગાંજા કબજે કર્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.૧.૦૪ કરોડ થાય છે. ટ્રકચાલક મહમદ ઉર્ફે કાળો (૨૬) અને ક્લીનર અરબાઝ સંધી (૨૭)ની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું કે, ઓરિસ્સાથી આ જથ્થો રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામ પાસે રહેતા અમિત ઉર્ફે ગુરખાએ ટ્રકમાં ભરાવ્યો હતો. ગાંજાનો જથ્થો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમિઝ ઉર્ફે માયાને પહોંચાડવાનો હતો. પોલીસ હવે અમિત અને રમિઝને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ કરી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઓરિસ્સાથી સપ્લાઇ કરવામાં આવેલ ગાંજા સૌરાષ્ટ્રના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પહોંચાડવાનો હતો. જેથી રાજકોટ પોલીસ દ્વારા હવે તપાસનો મુખ્ય ફોક્સ ગાંજાના સપ્લાય નેટવર્ક, ઓરિસ્સા કનેક્શન અને સૌરાષ્ટ્રમાં જથ્થો મેળવનારા અન્ય પેડલરો સુધી પહોંચવાનો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અમિતે ઓરિસ્સામાં મકાન ભાડે રાખ્યું હતું. ગાંજાની ખેપ લેવા માટે રાજકોટથી ઓરિસ્સા પહોંચ્યા બાદ તે હોટલમાં રહેવાને બદલે આ મકાનમાં રોકાતો હતો. એક ખેપ દરમિયાન તે ત્યાં ૧૫થી ૨૦ દિવસ સુધી રોકાતો હોવાની માહિતી મળી છે.
ગાંજાની ખરીદી કર્યા બાદ જથ્થાને અલગ-અલગ પાર્સલમાં પેક કરવામાં આવતો હતો. ત્યારબાદ સ્ટીલના પાઇપ જેવા કાયદેસર માલની વચ્ચે તેને સંતાડી બિલ્ટી સાથેના ટ્રક મારફતે રાજકોટ મોકલવામાં આવતો હતો. ગાંડાની માહિતી લીક ન થાય અને નેટવર્કની કડી ઝડપાઈ ન જાય તે માટે દરેક વખતે અલગ ડ્રાઇવર અને ક્લીનરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ૧૫૦૦ કિલોમીટરની ખેપ માટે ડ્રાઇવર અને ક્લીનરને રૂ.૨૦ હજારથી ૩૦ હજાર ચૂકવવામાં આવતા હતા. અમિત ૨૯ જુલાઈએ રાજકોટથી ઓરિસ્સા ગયો હતો. ત્યાં બાલાંગીર વિસ્તારના જંગલમાંથી ગાંજાનો મોટો જથ્થો ખરીદ્યા બાદ તેને પાર્સલ સ્વરૂપે પેક કરી ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં છુપાવવામાં આવ્યો હતો. ટ્રક ઓરિસ્સાથી નાગપુર અને સુરત થઈને રાજકોટ શહેર તરફ આવી રહ્યો હતો.