તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ખાસ સઘન સુધારા સંબંધિત ચૂંટણી પંચના નિર્ણયો અને આદેશો પર એક અખબારના અહેવાલ પછી ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હવે સાબિત થયું છે કે ભાજપ અને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ગોટાળા કર્યા હતા.
બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેમણે પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં નવી વિધાનસભા ચૂંટણીઓની માંગ કરી, જ્યાં ખાસ સઘન સુધારા પછી ચૂંટણી યોજાઈ હતી અને ભાજપ જીત્યું હતું. મમતા બેનર્જીએ જૂની મતદાર યાદીના આધારે પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટણીઓની માંગ કરી.
મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી પક્ષોના ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષો ટૂંક સમયમાં મળશે. બેનર્જીએ કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે ત્યાં સુધી દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. બેનર્જીએ કહ્યું કે એક સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ દેશવ્યાપી જીંઇ લાગુ કરવા અંગે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે આ સ્વતંત્રતા માટેની બીજી લડાઈ છે. આ વખતે, લડાઈ મુખ્ય ચૂંટણી કમિશનર અને ભાજપ સામે છે, જેમણે ભારતને બરબાદ કર્યું છે.
મીડિયા અહેવાલોમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત ચૂંટણી કમિશનરના નિર્ણયો અને આદેશો સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ મમતા બેનર્જીની માંગણીઓ ઉભી થઈ. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બંનેએ કહ્યું હતું કે કેટલાક નિર્ણયો અને આદેશો તેમની જાણ વગર લેવામાં આવ્યા હતા. રિપોર્ટ સામે આવ્યા પછી, ચૂંટણી પંચે બુધવારે તેનો ઇનકાર કર્યો. પંચે જણાવ્યું હતું કે તેના તમામ આદેશોને સંપૂર્ણ કાનૂની સમર્થન છે અને સભ્યો માટે ડ્રાફ્તિંગ દરમિયાન પ્રશ્નો ઉઠાવવા સામાન્ય છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે લેખિત ટિપ્પણીઓ, સૂચનો અને આંતરિક નિયંત્રણો એ પારદર્શિતા, કાનૂની પાલન અને મજબૂત કામગીરી સુનિશ્ચિત કરવા માટે નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. પંચે જણાવ્યું હતું કે ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન ઉદ્ભવેલી કેટલીક આંતરિક ટિપ્પણીઓને અલગ કરવાથી સંપૂર્ણ ચિત્ર રજૂ થતું નથી. પંચના જણાવ્યા મુજબ, એસઆઇઆર સહિત છેલ્લા એક વર્ષમાં તેના તમામ નિર્ણયો સંપૂર્ણ કમિશન દ્વારા સર્વસંમતિથી લેવામાં આવેલા નિર્ણયોનું પરિણામ છે.
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ ચૂંટણી કમિશનરો વચ્ચેની ચર્ચાઓને ચૂંટણી પંચની અંદર સત્તાવાર ચર્ચાઓ ગણાવી. તેમણે કહ્યું કે આવી ચર્ચાઓ સ્વસ્થ લોકશાહીની નિશાની છે. પાત્રાએ ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ પાર્ટી પર બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. આ વિવાદ બાદ, વિરોધ પક્ષોએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કથિત મત ચોરીને ભારતીય લોકો સામે ગુનો અને બંધારણ પર સીધો હુમલો ગણાવ્યો.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે,ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, સીપીઆઇ એમ સાંસદ જાન બ્રિટાસ અને સપાના વડા અખિલેશ યાદવે પણ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.








































