અમરેલી તા. ૦૪-૦૭-૨૦૨૩ના રોજ વડીયા તાલુકાના મોટા ઉજળા ગામે સાંજના સમયે બનેલા બનાવમાં આરોપી ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ ગજેરાએ ફરીયાદીને ફોન કરીને બસ સ્ટેશન બોલાવ્યા હતા. ફરીયાદ મુજબ ત્યાં વસીમભાઈ માનજીભાઈ ખોખર, ફીયાઝભાઈ માનજીભાઈ ખોખર અને માનજીભાઈ હસનભાઈ ખોખર સહિતના આરોપીઓએ ધમકી આપી, માર માર્યો અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. ફરીયાદીને સારવાર માટે સરકારી દવાખાને દાખલ કરાયા બાદ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. ડીવાયએસપી.એ ઝીણવટભરી તપાસ કરી ભારતીય ફોજદારી ધારાની કલમો તથા એટ્રોસીટી એક્ટ મુજબ ચાર્જશીટ કર્યું હતું.બંને પક્ષકારો વચ્ચે જ્ઞાતિ તથા તાલુકાના આગેવાનોએ ખુબ મહેનત કરવા છતાં સમાધાન થયું ન હતું. આથી આ બનાવ સમગ્ર વિસ્તારમાં ખુબ ચર્ચાસ્પદ બન્યો હતો અને બંને પક્ષે લાંબી કાનુની લડાઈ હતી. કેસ દરમિયાન ફરીયાદી, તેમના સગા સબંધીઓ, સારવાર આપનાર ડોકટર, સમાજ કલ્યાણ અધિકારી તથા પોલીસ અને તપાસ અધિકારીની જુબાની લેવાઈ હતી. આરોપીઓ તરફે સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ કરેલી ધારદાર દલીલના કારણે કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.








































