પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે અમરેલીની આઇ.ટી.આઇ. ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રકૃતિના જતન માટે વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.પર્યાવરણ સંરક્ષણની ઝુંબેશના ભાગરૂપે ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા ‘પ્રોજેક્ટ નવજીવન’ હેઠળ અમરેલી વિસ્તારમાં ‘ I am Climatehero’ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર નવા છોડ રોપવા પૂરતું મર્યાદિત ન રહેતા, વર્ષો જૂના અને વિકસિત થઈ ચૂકેલાવૃક્ષોની યોગ્ય જાળવણી, સાચવણી તેમજ વૈજ્ઞાનિક પધ્ધતિથી માવજત કરવાના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જૂના વૃક્ષોને બચાવી તેમની યોગ્ય માવજત કરવામાં આવે તો પર્યાવરણને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. આ પ્રયાસથી અમરેલીના હરિયાળા વાતાવરણને ટકાઉ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે ગ્રીન કવર વધારવું જરૂરી છે. નવા વૃક્ષોનું વાવેતર કરવાની સાથે હયાત જૂના વૃક્ષોની જાળવણી પણ એટલી જ મહત્વની છે. વિકસિત વૃક્ષો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષોની યોગ્ય માવજત અને જાળવણી દ્વારા પર્યાવરણને વધુ લાભ મળે તે દિશામાં ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત અમરેલી સ્થિત ગાંધીબાગ ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી શહેરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ તથા સ્વચ્છતા કર્મવીરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ, સ્વચ્છતા,વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, જલ શક્તિ અને સ્વનિર્ભરતાને લગતા વિચારોનું શ્રવણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.