અમરેલી જિલ્લામાં અકસ્માતની વિવિધ પાંચ ઘટના બની હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા. રાંદલના દડવા ગામે રહેતા રાજુભાઇ રામભાઇ બાંભવા (ઉ.વ.૪૦)એ ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ મરણજનાર પ્રફુલભાઇ રામભાઇ બાંભવા (ઉ.વ.૩૬) તથા સાહેદ વશરામભાઇ ગેલાભાઇ બાંભવા બન્ને મોટરસાયકલ લઇ વિરનગરથી રાંદલના દડવા જતા હતા.રાજકોટ ભાવનગર હાઇવે ઉપર કોટડાપીઠા ગામ પાસે આવેલ કર્ણુકી ગામના પાટીયા પાસે પહોંચતા સામેથી આવેલી ફોર વ્હીલના ચાલક મિજાનભાઇ ફુલાણીએ ટક્કર મારી હતી. જેમાં તેમના ભાઈનું મોત થયું હતું. અકસ્માતના બીજા બનાવ અંગે રાજુલાના નિંગાળા-૧ ગામે રહેતા પ્રવિણભાઇ લાખાભાઇ સોલંકી (ઉ.વ.૪૨) એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઇ શાંતીભાઇ નીંગાળા-૦૧ ગામેથી રાજુલા ખરીદી કરવા પોતાની મોટરસાયકલ લઈને જતા હતા. આ સમયે મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતા ડીવાઇડર સાથે અથડાયું હતું. કપાળના ભાગે ગંભીર ઇજા થતા સારવારમાં લાવતા મરણ પામ્યા હતા. ત્રીજા બનાવમાં અમેરલીમાં રહેતા જીવનભાઇ પુનાભાઇ પરમાર (ઉ.વ.૩૧) એ ડમ્પર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની કાર્ગો રીક્ષામાં ગળથ બરવાળાથી ભાડું ભરીને અમરેલી આવતા હતા ત્યારે આંકડીયા ગામથી આગળ ગૌશાળાથી અમરેલી તરફ અડધો કિ.મી. પહોંચતા પાછળથી આવેલો ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. લુણાવાડાના ભીમપુર ગામે રહેતા કાંતિભાઇ કાનાભાઇ બારીયા (ઉ.વ.૫૦)એ જય ખોડીયાર ટ્રાવેલ્સ લક્ઝરી બસના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, વરસડા ગામે સદગુરૂ નગરના પાટીયા સામે તેમના ભાઈ પાણીનો વાલ ખોલવા ચાલીને જતા હતા ત્યારે બસ ચાલકે અડફેટે લેતાં કપાળ, છાતી, ડાબા પગમાં ઈજા થઈ હતી. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની છઠ્ઠી ઘટનામાં પાડરશીંગા ગામે રહેતા લક્ષ્મણભાઈ નાથાભાઈ બોળીયા (ઉ.વ.૨૦)એ કાર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેના નાનાભાઈ બળવંતભાઈ મોટરસાયકલ લઈને દામનગરથી પાડરશીંગા પોતાના ઘરે જતા હતા ત્યારે કુંભનાથ મહાદેવ મંદિર પાસે આવેલી ગૌશાળા નજીક કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજા પહોંચી હતી.