લોકલ સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે ચૂંટણી પૂર્વે ગ્રાઉન્ડમાં જવાની રણનીતિ તૈયાર કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ સ્નેહમિલન સમારોહ યોજીને લોકો સાથે જાડાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભાજપના દરેક વોર્ડમાં સ્નેહમિલન સમારોહ યોજાવાની તૈયારી ચાલી રહી છે, જે હવે વરસાદના કારણે ૯ નવેમ્બર સુધી ચાલશે.નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમને લઈને શહેરના નરોડા વોર્ડમાં વિવાદ સર્જાયો છે. નરોડા વોર્ડના સ્નેહમિલન સમારોહમાં લગાવવામાં આવેલા બેનરને લઈને શહેર પ્રમુખ પ્રેરક શાહે નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ નરોડા વોર્ડના સ્નેહમિલન સમારોહમાં નારાજ થયેલા શહેર પ્રમુખે કોઈ ભાષણ આપ્યા વિના જ નવા વર્ષની શુભેચ્છા પાઠવી સમારોહ છોડીને નીકળી ગયા હતા. તેઓએ પ્રોટોકોલનો ભંગ થવાની ફરિયાદ કરી હતી.ભાજપ કાર્યાલય તરફથી નૂતન વર્ષના સ્નેહમિલન માટે બેનરમાં ફોટા લગાવવા બાબતે ચોક્કસ સૂચના આપવામાં આવી છે. ભાજપના મુખ્ય નેતાઓના ફોટા ઉપર લગાવવા અને શહેર પ્રમુખ અને ધારાસભ્યના ફોટા નીચે અથવા નાના રાખવા કહેવામાં આવ્યું હતું. આ પ્રોટોકોલનો ભંગ થતા શહેર પ્રમુખના ફોટા મુખ્ય હરોળમાં હતા, જેના કારણે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. શહેર પ્રમુખની આ નારાજગી હવે ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.








































