ધારીના વાઘવડી ગામમાં રહેતા એક રત્ન કલાકારને વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. લાયસન્સ વગર ઊંચા દરે વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરનારા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રદીપભાઈ મધુભાઈ ચાવડા (ઉ.વ.૨૮)એ નાગધ્રા ગામના શીવરાજભાઈ કાળીયા અને અનીરુદ્ધભાઈ કાળીયા તથા ચલાલાના શેલ ખંભાળીયા ગામના કુલદીપભાઈ મહીપતભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને નાણાંની જરૂર પડતા તેમણે આરોપીઓ પાસેથી રકમ વ્યાજે લીધી હતી. જોકે, આરોપીઓ પાસે વ્યાજ વટાવનો ધંધો કરવા માટેનું કોઈ માન્ય લાયસન્સ ન હોવા છતાં તેમણે અત્યંત ઊંચા વ્યાજ દરે નાણાં ધીર્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, વ્યાજની રકમ વસૂલવા માટે આરોપીઓ અવાર-નવાર ફોન કરીને તેમજ રૂબરૂ આવીને માનસિક ત્રાસ આપતા હતા. નાણાંની વસૂલાત માટે પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ રત્ન કલાકારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































