ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. વરરાજા માટે ભાડે રાખેલી ફોર-વ્હીલ કાર એક મહેમાન માલિક પાસેથી ચાવી માંગી ગયા હતા. આ મહેમાને ધારી-તુલસીશ્યામ હાઈવે પર બેફીકરાઈથી ગાડી ચલાવી સીધી એક હોટલમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં હોટલની મિલકતને મોટું નુકસાન થયું છે અને કાર પણ ભાંગીને ભૂકો થઈ ગઈ છે. પ્રાથમિક તબક્કે હોટલ માલિક સાથે સુખદ સમાધાન થયું હતું અને જેસીબી તેમજ ટ્રેક્ટરની મદદથી ગાડી બહાર કાઢવામાં આવી હતી. શરૂઆતમાં નુકસાનીનો પૂરો ખર્ચ આપવાની ખાતરી આપનાર મહેમાન બાદમાં પોતાની વાતથી ફરી જતાં વિવાદ વકર્યો છે. ગાડીના માલિકે લાખોનું નુકસાન થયાનું જણાવી હવે ૨૪ કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.








































