કોડીનાર તાલુકાના વેલણ ગામ નજીક ગુજરાતની પ્રથમ સરકારી મરીન કોલેજ આકાર લેશે. શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાએ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી જમીનની પ્રાથમિક તપાસ કરી હતી. કોલેજ માટે આશરે ૬૦ એકર સરકારી જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રોજેક્ટને બે તબક્કામાં સાકાર કરવાનું આયોજન છે.પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૨૭-૨૮થી અસ્થાયી સ્થળે મરીન ક્ષેત્રના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. ત્યારબાદ કાયમી મરીન એન્જિનિયરિંગ કોલેજ અને આધુનિક સુવિધાઓ સાથે કેમ્પસ બનાવાશે. આશરે ચાર વર્ષમાં કેમ્પસ તૈયાર કરવાનું આયોજન છે. આ કોલેજ શરૂ થતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના યુવાનોને ઉચ્ચ અભ્યાસ અને રોજગારીની નવી તકો મળશે તેમજ ગીર સોમનાથના વિકાસને નવી દિશા મળશે.






































