આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તેલ કંપનીઓને “ગેરકાયદેસર નફો” કમાવવા માટે છૂટ આપી રહી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા છતાં દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી. કેજરીવાલે માંગ કરી હતી કે સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે પેટ્રોલના ભાવ તાત્કાલિક ૧૦૨ રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ૮૨ રૂપિયા કરવા જાઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, આ વર્ષે મે મહિનાથી ભારતમાં પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયા પ્રતિ લિટર રહ્યા છે. હું માંગ કરું છું કે પેટ્રોલના ભાવ ઘટાડીને ૮૨ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવે અને ડીઝલના ભાવ પ્રમાણસર ઘટાડવામાં આવે.
આપ કન્વીનરનો તર્ક હતો કે જા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવે છે, તો તેની સીધી અસર માલસામાન અને અન્ય સેવાઓ પર પડશે, જેનાથી સામાન્ય લોકોને વધતી મોંઘવારીથી નોંધપાત્ર રાહત મળશે.
કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે ૨૦૧૪ થી, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઓછામાં ઓછા છ વખત નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. તે વર્ષો દરમિયાન મેળવેલા “ઉચા નફા”નું સરકાર શું કરી રહી છે? કંપનીઓને લોકોના ખિસ્સા કાપીને ગેરકાયદેસર નફો કરવાની મંજૂરી આપવી જાઈએ નહીં, જેમ કે હાલમાં ઊંચા ભાવો દ્વારા થઈ રહ્યું છે.