વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. અનુસૂચિત જાતિ સમાજના એક પૂર્વ વિદ્યાર્થીએ યુનિવર્સિટી તંત્ર પર જાતિવાદ અને વહીવટી હેરાનગતિના ગંભીર આક્ષેપો લગાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીએ આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલરની મુખ્ય ભૂમિકા હોવાનો દાવો કર્યો છે.પૂર્વ વિદ્યાર્થીના આક્ષેપ મુજબ, તેણે નવેમ્બર ૨૦૨૧માં પોતાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો હોવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા વર્ષો સુધી તેની ડિગ્રી અટકાવી રાખવામાં આવી હતી. વારંવારની રજૂઆતો છતાં ડિગ્રી ન મળતા આખરે વિદ્યાર્થીએ માહિતી અધિકાર અને ફર્સ્ટ અપીલનો સહારો લેવો પડ્યો હતો, ત્યારબાદ જ તેને ડિગ્રી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને પણ ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા છે. જાતિ આધારિત ભેદભાવ અને માનસિક હેરાનગતિ બદલ તેણે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજી તરફ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ સત્તાવાર નિવેદન આપી તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આક્ષેપ કરનાર વિદ્યાર્થીને ૬ મહિના પહેલાં જ નિયમોનુસાર ડિગ્રી આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો જાતિવાદ કે ભેદભાવ રાખવામાં આવતો નથી.



































