ભારતે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદ અને સાયબર જાખમોનો સામનો કરવા માટે પ્રાદેશિક સહયોગને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. માલદીવમાં આયોજિત કોલંબો સિક્યુંરિટી કોન્ક્લેવની આઠમી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠકમાં, સભ્ય દેશોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે સહયોગ માટે એક રોડમેપ અપનાવ્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભારત વતી બેઠકમાં ભાગ લીધો.
બેઠકના સમાપન પછી, ગુરુવારે વિદેશ મંત્રાલયએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં સીએસસીના મુખ્ય નિર્ણયોની વિગતો આપવામાં આવી. નિવેદનમાં જણાવાયું છે કે માલદીવે ૨૫ નવેમ્બરના રોજ વિલા નૌટિકા પેરેડાઇઝ આઇલેન્ડ ખાતે આ ઉચ્ચ-સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. ભારત, માલદીવ્સ, શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. ભારતનું પ્રતિનિધિત્વ અજિત ડોભાલે કર્યું હતું. માલદીવના રાષ્ટÙીય સુરક્ષા સલાહકાર ઇબ્રાહિમ લતીફ, શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના સચિવ, એર વાઇસ માર્શલ સંપથ થુયાકોન્થા અને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના કમાન્ડન્ટ, લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ ફૈઝુર રહેમાન પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા અને મલેશિયાએ મહેમાન દેશો તરીકે ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ સારાહ સ્ટોરી, ફર્સ્ટ આસિસ્ટન્ટ સેક્રેટરી, સાઉથ એન્ડ સાઉથ-ઇસ્ટ એશિયા ગ્રુપ, ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ દ્વારા કરવામાં આવ્યું હતું, અને મલેશિયાનું પ્રતિનિધિત્વ ખૈરુલ અઝહર, ડાયરેક્ટર, મેરીટાઇમ સિક્યુંરિટી એન્ડ સોવરનિટી ડિવિઝન, નેશનલ સિક્યુંરિટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં, કોલંબો સિક્યુંરિટી કોન્ક્લેવના પ્રથમ સેક્રેટરી-જનરલ, વાઇસ એડમિરલ એસ.એન. ઘોરમાડે (નિવૃત્ત) એ ૨૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી ૭મી એનએસએ-સ્તરની બેઠકના નિર્ણયોને અમલમાં મૂકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર સમીક્ષા રજૂ કરી. બેઠક દરમિયાન, ભારત, માલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકાએ સંમત મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા અને ૨૦૨૬-૨૭ માટે સહકારનો રોડમેપ અપનાવ્યો. મોરેશિયસે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો.
આ રોડમેપ સહકારના પાંચ મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. આમાં દરિયાઈ સુરક્ષા અને સલામતી, આતંકવાદ અને કટ્ટરપંથીકરણનો સામનો, માનવ તસ્કરી અને સરહદ પાર સંગઠિત ગુનાઓનું નિવારણ, સાયબર સુરક્ષા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીનું રક્ષણ, અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો સમાવેશ થાય છે. સભ્ય દેશોએ તાલીમ, અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને સંસ્થાકીય ક્ષમતાઓ વિકસાવવા દ્વારા સહયોગ વધારવા પર ભાર મુક્યો.
મીટિંગમાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સામૂહિક પ્રયાસોને સતત મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો. હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદ, ગેરકાયદેસર તસ્કરી અને ઉભરતા સાયબર જાખમો સંબંધિત પડકારો વચ્ચે કોલંબો સુરક્ષા કોન્ક્લેવ ભારત સહિત પ્રાદેશિક દેશો માટે સુરક્ષા સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકમાં અપનાવવામાં આવેલ નવો રોડમેપ આગામી બે વર્ષમાં સભ્ય દેશો વચ્ચે વ્યવહારુ સહયોગને આગળ વધારવા માટે દિશા નિર્ધારિત કરશે.




































