અમરેલી માર્કેટયાર્ડમાં દિવાળી પર્વની રજાઓ પુર્ણ થયા બાદ લાભપાંચમના શુભ દિને કામગીરી શરૂ થશે, ત્યારે ચેરમેન ભાવિનભાઈ સોજીત્રાએ ખેડુતોના હિતમાં કેટલાક નિર્ણયો કર્યા છે. જણસી ખરીદી કરતા વેપારીઓએ બારદાનનું વજન ૮૦૦ ગ્રામ બાદ કરવાનું રહેશે. જો બારદાન ૯૦૦ ગ્રામ કે તેથી વધારે વજનનું હોય તો વીંટાનું વજન કરી ખરેખર જે વજન આવે તે મુજબ કપાત કરાશે.પ્લાસ્ટિક બોરી વાપરતા વેપારીઓએ કુલ વજનમાંથી પ્રતિ મુદ્દા દીઠ વધુમાં વધુ ૧૫૦ ગ્રામ બોરીનું વજન બાદ કરવાનું રહેશે. નક્કી કરેલા વજન કરતા વધુ વજન બાદ કરનાર વેપારીને એક લાખ રૂપિયાનો દંડ કરાશે અને તેમનું લાયસન્સ સ્થગિત કરવામાં આવશે. મગફળીની ખરીદીમાં હરરાજી બાદ મજુરો દ્વારા તારવવાની પ્રથા ચાલતી હતી, જેના પર હવે પ્રતિબંધ મુકાયો છે અને પ્રથા સંપુર્ણપણે નાબુદ કરાઈ છે. આ તમામ નિર્ણયોની અમલવારી આગામી ૧૪-૧૧-૨૦૨૬ ને શનિવાર લાભપાંચમથી કરવામાં આવશે, તેમ સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યું છે.