સત્તા મેળવવી એ કદાચ રાજનીતિનો એક ભાગ છે, પરંતુ સત્તા મેળવવા માટે થતી સાઠમારી ઘણી વખત માનવીય મૂલ્યોને નેવે મૂકી દે છે. જ્યાં સેવા કરતાં સત્તા મહ¥વની બની જાય, ત્યાં સિધ્ધાંતોનું સ્થાન સ્વાર્થ લઈ લે છે અને સંબંધો કરતાં હોદ્દાની કિંમત વધી જાય છે.
આજના સમયમાં રાજકારણ હોય, સામાજિક સંસ્થા હોય, સહકારી મંડળી હોય કે કોઈ સંગઠન હોય, દરેક જગ્યાએ સત્તા મેળવવાની હોડ જોવા મળે છે. લોકશાહીમાં ચૂંટણી થવી, ઉમેદવારી કરવી અને પોતાની વાત લોકો સુધી પહોંચાડવી એ સ્વાભાવિક બાબત છે. પરંતુ જ્યારે સત્તા મેળવવા માટે જૂથબંધી, ખેંચતાણ, આક્ષેપબાજી અને મેલી રાજરમત અને ખોટી બાનાબાજીથી સારા લોકોનો વિરોધ શરૂ થાય છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આપણે ખરેખર સેવાના માર્ગે આગળ વધી રહ્યા છીએ કે પછી માત્ર ખુરશી મેળવવાની દોડમાં સામેલ છીએ?
સત્તાની સાઠમારીમાં ઘણી વખત માણસ હોદ્દો તો મેળવી લે છે, પરંતુ માણસાઈ ગુમાવી બેસે છે.
સત્તા એવી વસ્તુ છે, જે માણસની અંદર રહેલા ગુણો અને અવગુણોને બહાર લાવે છે. જે વ્યક્તિમાં સેવાભાવ હોય, તેના હાથમાં સત્તા આવે તો તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. જેનામાં અહંકાર હોય, તેના હાથમાં સત્તા આવે તો તે બીજાને પોતાની નીચે રાખવાનો પ્રયાસ કરે છે. એટલે સત્તા સારી કે ખરાબ હોતી નથી, પરંતુ તેનો ઉપયોગ કરનારની માનસિકતા સત્તાની દિશા નક્કી કરે છે.
સંસ્થાઓનું નિર્માણ કોઈ એક વ્યક્તિના અહંકારને પોષવા માટે નથી થતું. સંસ્થાઓનો હેતુ સામૂહિક વિકાસ, પારદર્શક વહીવટ અને સૌના હિતનું જતન કરવાનો હોય છે. જ્યારે સંસ્થામાં વ્યક્તિગત પ્રતિષ્ઠા અને જૂથવાદ હાવી થઈ જાય છે, ત્યારે વર્ષોથી જળવાયેલા સંબંધોમાં તિરાડ પડે છે. ગઈકાલ સુધી સાથે બેસીને ચા પીતા મિત્રો આજે એકબીજાના વિરોધી બની જાય છે. વિચારધારાનો મતભેદ વ્યક્તિગત મનદુઃખમાં પરિવર્તિત થઈ જાય છે.
પરંતુ એક વાત સમજવા જેવી છે કે ચૂંટણી પૂરી થાય છે, હોદ્દાની મુદત પૂરી થાય છે અને સત્તાનાં સમીકરણો પણ બદલાય છે. આજે જેની પાસે સત્તા છે, તેની પાસે કાલે ન પણ હોય. આજે જેનો જયજયકાર થાય છે, તેને કાલે લોકો ભૂલી પણ શકે છે. પરંતુ આપણા વર્તનથી લોકોના હૃદયમાં જે સ્થાન બને છે, તે લાંબા સમય સુધી ટકી રહે છે.
સાચો નેતા એ નથી, જેની પાછળ મોટી ભીડ ઊભી હોય; સાચો નેતા એ છે, જે મુશ્કેલીના સમયે લોકોની સાથે ઊભો રહે. સાચી લોકપ્રિયતા તાળીઓના અવાજથી નહીં, પરંતુ લોકોના વિશ્વાસથી માપવામાં આવે છે. હોદ્દો મળવાથી કોઈ મોટું બની જતું નથી, મોટું તો ત્યારે બનાય છે જ્યારે હોદ્દા પર રહીને બીજાને પણ મોટાં બનવાની તક આપવામાં આવે.
સત્તા મેળવવા માટે હરીફાઈ થવી જોઈએ, પરંતુ હરીફાઈમાં કડવાશ ન હોવી જોઈએ. વિરોધ થવો જોઈએ, પરંતુ વિરોધમાં વ્યક્તિનું અપમાન ન હોવું જોઈએ. જીતવાની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ જીત માટે સંબંધોનો ભોગ ન આપવો જોઈએ. કારણ કે કોઈ પણ ચૂંટણીમાં એક વ્યક્તિ જીતે છે અને બીજી વ્યક્તિ હારે છે, પરંતુ જો ચૂંટણીના કારણે સમાજની એકતા હારી જાય, તો આખરે નુકસાન સૌનું થાય છે.
આથી, સત્તાની સાઠમારીમાં ઊતરતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાની જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ કે હું આ સ્થાન પર શા માટે પહોંચવા માગું છું? લોકોની સેવા કરવા માટે કે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે? જો જવાબ સેવાનો હોય, તો વર્તનમાં નમ્રતા અને નિર્ણયોમાં પારદર્શિતા હોવી જોઈએ.
યાદ રાખીએ, ખુરશી પર બેસવાથી માન મળતું નથી, પરંતુ ખુરશી પરથી ઊભા થયા પછી પણ લોકો માન આપે એ જ સાચી સફળતા છે.
અંતમા એટલુ જ કે,
સત્તા તો આવતી-જતી રહેવાની છે. હોદ્દાઓ બદલાતા રહેવાના છે અને સમયના પ્રવાહમાં અનેક નામો વિસરાઈ જવાનાં છે. પરંતુ સારા વિચારો, નિઃસ્વાર્થ સેવા અને પ્રેમથી જીતેલાં હૃદયો ક્યારેય વ્યર્થ જતાં નથી.ગુલટીબાજ લોકો પોતાના વ્યકતીગત અહંમને પોષવા માટે પોતાના જ સમર્થકોનો જ ભોગ લઈને સમાજના લોકોને આપેલા વચનો તોડીને ખુદ સતા મેળવવા હલકી કક્ષાની રાજનીતિ શરૂ કરે ત્યારે આવા લોકોની અસલી માનસિકતા સમજવાની જરૂર છે. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..
અસ્તુ..વંદે માતરમ..ભારત માતાકી જય







































