થાનમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આજે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે યોજાનારા મેળામાં લોકસંગીત, રાસ-ગરબા અને લોકસંસ્કૃતિના રંગો સાથે રમતગમતનો ઉત્સાહ પણ જોવા મળશે. સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તરણેતરમાં ૨૧મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે. જેમાં ૧૪, ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે ભાઈઓ-બહેનો માટે પરંપરાગત રમતો ઉપરાંત એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે. ઋષિ પંચમીના દિવસે અઢીથી ત્રણ લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. વરસાદ વિઘ્ન ન બને તો આ વર્ષે પણ મોટી જનમેદની ઉમટવાની શક્યતા છે.









































