સફળતા માટે હંમેશા મોટી મૂડીની જરૂર નથી હોતી. જો વ્યક્તિ પાસે જ્ઞાન, મહેનત, હિંમત અને કંઈક કરી બતાવવાની ધગશ હોય તો નાની શરૂઆત પણ એક દિવસ મોટી સફળતામાં પરિવર્તિત થઈ શકે છે. ભાવનગરના ૩૫ વર્ષીય યુવાન સવાણી સંજયભાઈ મનજીભાઈની સફળતાની કહાની આ વાતને સાબિત કરે છે.
બી.ઇ. મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલા સંજયભાઈ સામાન્ય અને મર્યાદિત આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના મોટા ભાઈ ભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સંજયભાઈને પોતાની ટેકનિકલ કુશળતાના આધારે વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હતી, પરંતુ સૌથી મોટો પડકાર હતા મૂડી ક્યાંથી લાવવી?
મશીનરી ખરીદવા માટે પૂરતા પૈસા ન હોવાથી શરૂઆત કરવી મુશ્કેલ હતી. પરંતુ સંજયભાઈએ મુશ્કેલી સામે હાર માની નહીં. વર્ષ ૨૦૧૫માં આશરે રૂ.૯૪,૦૦૦ની વ્યવસ્થા કરીને તેમણે લેથ મશીન, કટર મશીન અને વેલ્ડિંગ મશીન જેવી જૂની મશીનરી ખરીદી. તેમાં આશરે રૂ.૫૦,૦૦૦ ઉછીના લીધી અને બાકીની રકમ પરિવારની મદદથી ગોઠવી. ત્યારબાદ ભાવનગરમાં એક નાનકડો શેડ ભાડે રાખીને તેમણે પોતાના ઉદ્યોગની શરૂઆત કરી.
પ્રારંભિક તબક્કામાં સંજયભાઈએ રોપ મેકિંગ મશીન અને એક્સ્પાન્ડિંગ મશીન બનાવવાનું કામ શરૂ કર્યું. નાની જગ્યા, મર્યાદિત સાધનો અને ઓછી મૂડી છતાં તેમણે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપી. સતત મહેનત, ટેકનિકલ જ્ઞાન અને ગ્રાહકોની જરૂરિયાતને સમજવાની તેમની ક્ષમતાએ ધીમે ધીમે વ્યવસાયને વિસ્તરણ આપ્યું.
આજે સંજયભાઈ ટર્નકી પ્રોજેક્ટ્સ માટેની મશીનરીનું ઉત્પાદન અને સપ્લાય કરી રહ્યા છે. ભાવનગરના નાનકડા શેડથી શરૂ થયેલી તેમની સફર આજે દેશની સીમાઓ પાર કરીને વિશ્વના ૫૦થી વધુ દેશો સુધી પહોંચી છે. યુએઈ, આફ્રિકા, યુરોપ અને એશિયાના વિવિધ દેશોમાં તેમની મશીનરી સપ્લાય થઈ રહી છે. યુરોપમાં પણ પોતાની ઓફિસ શરૂ કરીને યુરોપિયન દેશો સાથે વ્યવસાયને વધુ
વિસ્તૃત કરવાની દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે.
આ સફળતાની પાછળ સંજયભાઈ પોતાની ધગશ, મહેનત, ટેકનિકલ કુશળતા અને જોખમ લેવાની હિંમતને મુખ્ય કારણ ગણાવે છે. પરંતુ તેઓ એ પણ માને છે કે આજના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે ઊભું કરવામાં આવેલું વાતાવરણ પણ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) જેવી યોજનાઓનો હેતુ નવા માઇક્રો ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગાર અને રોજગારની તકો ઊભી કરવાનો છે. આ યોજના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં નવા સ્વરોજગાર સાહસો અને માઇક્રો એન્ટરપિનયોર ને ઉદ્યોગ સ્થાપવા માટે સ્થાપવામાં મદદ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની વિચારધારા સાથે જોડાયેલી ઉદ્યોગસાહસિકતાની દિશામાં સંજયભાઈ જેવા યુવાનોનું ઉદાહરણ મહત્વપૂર્ણ બને છે. એક સમયે પોતાના વ્યવસાય માટે મશીન ખરીદવા પણ મુશ્કેલી અનુભવતો યુવાન આજે પોતાની બનાવેલી મશીનરી વિશ્વના વિવિધ દેશોમાં પહોંચાડી રહ્યો છે.
સંજયભાઈનું માનવું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનો માટે સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ, નાણાકીય સહાય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલોથી દેશના યુવાનોમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની હિંમત વધી છે. PMEGP પણ ક્રેડિટ-લિન્કપ સબસિડી કાર્યક્રમ તરીકે નવા માઇક્રો ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે.
સંજયભાઈની કહાની માત્ર એક ઉદ્યોગપતિની સફળતાની કહાની નથી, તે ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો સંદેશ છે. સંસાધનો ઓછા હોય તો પણ શરૂઆત કરી શકાય છે, નાની મૂડીથી પણ મોટું સ્વપ્ન સાકાર કરી શકાય છે અને સ્થાનિક સ્તરે શરૂ કરેલો વ્યવસાય વૈશ્વિક બજાર સુધી લઈ જઈ શકાય છે.
રૂ.૯૪,૦૦૦ની આસપાસની નાની મૂડીથી શરૂ થયેલી આ સફર આજે ૫૦થી વધુ દેશોમાં પહોંચી છે. સંજયભાઈ સવાણીની સફળતા એ સંદેશ આપે છે કે મહેનત, ટેકનિકલ જ્ઞાન, નવીનતા, યોગ્ય માર્ગદર્શન અને તકનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય પરિવારનો યુવાન પણ વિશ્વસ્તરીય ઉદ્યોગસાહસિક બની શકે છે.
આ કહાનીનો સૌથી મોટો સંદેશ એક જ છે,શરૂઆત નાની હોય તે મહત્વનું નથી, દિશા સાચી અને મોટી હોવી જોઈએ.સંજયભાઇનો સંપર્ક
નં .૯૫૭૪૭ ૩૭૬૭૩ છે.
:: તિખારો::
સારા વિચારો, સારા કર્મો અને સારા સંબંધો આ ત્રણેય જીવનની સૌથી મોટી સંપત્તિ છે.અને એક વખત તક મળે ત્યારે બીજા માટે દિવાદાંડી બનજો, ત્રણેયનો જોવાનો સમય પણ નક્કી છે માટે જીંદગીમાં તમારા ઉપર વિશ્વાસ કોઇ મુકી શકે એવુ જીવવુ જોઇએ.












































