‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. એક ચાહકના મૃત્યુના સંદર્ભમાં હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેમને સમન્સ મોકલ્યા છે. કોર્ટે અલ્લુ અર્જુનને ૨૨ જૂને સુનાવણી માટે વ્યક્તિગત રીતે હાજર રહેવાનું કહ્યું છે. આ કેસમાં તેમને આરોપી નંબર ૧૧ તરીકે નામ આપવામાં આવ્યું છે. અન્ય ૧૯ આરોપીઓને પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે.
આ કેસ ૨૦૨૪ માં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં “પુષ્પા ૨ ધ રૂલ” ના સ્ક્રીનીંગ દરમિયાન થયેલી ભાગદોડ સાથે સંબંધિત છે. રેવતી નામની એક મહિલા ચાહકનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. ચિક્કડપલ્લી પોલીસે અલ્લુ અર્જુનને આરોપી નંબર ૧૧ (એ૧૧) તરીકે નામ આપ્યું છે. સંધ્યા થિયેટરના મેનેજમેન્ટને પણ આરોપી નંબર ૧ થી ૧૦ (એ૧-એ ૧૦) તરીકે નામ આપવામાં આવ્યું છે. અભિનેતા ઉપરાંત, નામપલ્લી કોર્ટે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના સંદર્ભમાં અન્ય ૧૯ આરોપીઓને પણ સમન્સ જારી કર્યા છે.
૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, “પુષ્પા ૨ ધ રૂલ” નો પ્રીમિયર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેના પરિણામે રેવતી નામની મહિલાનું મોત નીપજ્યું હતું અને તેના પુત્રને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ, ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેલંગાણા હાઈકોર્ટે તેને બીજા દિવસે જામીન આપ્યા હતા. ૩૧ ડિસેમ્બરે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતાની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
બાદમાં, જેલમાંથી મુક્ત થયા પછી, અલ્લુ અર્જુને એક પ્રેસ કોન્ફરન્સ યોજી, આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેનો આ ભાગદોડ સાથે કોઈ સંબંધ નથી. તે ફક્ત એક અકસ્માત હતો. તે તેના પરિવાર સાથે ફિલ્મ જાવા માટે થિયેટરમાં ગયો હતો, પરંતુ થિયેટરની બહાર ભાગદોડ મચી ગઈ. જોકે, અભિનેતાએ જણાવ્યું હતું કે તે મહિલાના પરિવાર સાથે છે અને તેમને શક્ય તેટલી બધી મદદ કરશે.
આ કેસમાં, તેલંગાણા પોલીસે અભિનેતા અલ્લુ અર્જુન સહિત ૨૩ લોકો પર નાસભાગનો આરોપ લગાવ્યો હતો અને ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. નામપલ્લી કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં, પોલીસે થિયેટર મેનેજમેન્ટને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું, જ્યારે અલ્લુ અર્જુનને આરોપી નંબર ૧૧ તરીકે નામ આપવામાં આવ્યું હતું.














































