સુપ્રીમ કોર્ટે એનસીઇઆરટીના ધોરણ ૮ ના પાઠ્યપુસ્તકના વિવાદાસ્પદ ન્યાયતંત્ર પ્રકરણમાં સામેલ ત્રણ શિક્ષણવિદો સામેનો પોતાનો અગાઉનો આદેશ પાછો ખેંચી લીધો છે. કોર્ટે આ શિક્ષણવિદોને સરકારી અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાંથી પ્રતિબંધિત કરવાના નિર્દેશો પણ રદ કર્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બનેલી બેન્ચે પ્રોફેસર મિશેલ ડેનિનો, સુપર્ણા દિવાકર અને આલોક પ્રસન્ના કુમાર દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો, જેમણે કોર્ટના ૧૧ માર્ચ, ૨૦૨૬ ના આદેશને રદ કરવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં જણાવ્યું હતું કે આ શિક્ષણવિદોએ જાણી જાઈને તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા અને ભારતીય ન્યાયતંત્રને ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણથી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે હવે આ ટિપ્પણી દૂર કરી દીધી છે. સુનાવણી દરમિયાન, કોર્ટે સ્વીકાર્યું હતું કે પ્રકરણનો મુસદ્દો તૈયાર કરવામાં કોઈ દુષ્ટતા નહોતી અને તે સામૂહિક નિર્ણય પછી તૈયાર કરવામાં આવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોઈપણ શૈક્ષણિક કાર્યમાં આ શિક્ષણવિદોને જાડવા અંગે પોતાના નિર્ણયો લઈ શકે છે.
વરિષ્ઠ વકીલ શ્યામ દિવાનએ કોર્ટને જણાવ્યું હતું કે માર્ચનો આદેશ શિક્ષણવિદોને સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી, પરંતુ સામૂહિક કાર્ય છે. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે ન્યાયતંત્ર પરનો પ્રકરણ ૬ઠ્ઠા અને ૭મા ધોરણના શિક્ષણને આગળ વધારવાનો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યારે મીડિયામાં ન્યાયતંત્રને લગતા મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા થાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ સિસ્ટમનું સાચું ચિત્ર સમજવું જાઈએ.
જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે સમસ્યા એ હતી કે પુસ્તકમાં ભ્રષ્ટાચારને ન્યાયતંત્રની ચોક્કસ સમસ્યા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પુસ્તકમાં કાનૂની સહાય અને ન્યાયતંત્રની સકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે પુસ્તકની સામગ્રી અયોગ્ય અને બિનજરૂરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે સામગ્રીની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી છે.










































