સાવરકુંડલાના જેસર રોડ પર મોટરસાયકલ અડી જવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને બે પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ જણા પર પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક યુવકને કપાળના ભાગે ગંભીર ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે અન્ય એક યુવકને પાઇપનો ફટકો વાગ્યો હતો.ઘટનાની વિગત મુજબ, સતીષભાઇ પ્રવિણભાઇ મોલાડીયાના કાકાનો દીકરો પોતાની મોટરસાયકલ લઈને જેસર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન આગળ જઈ રહેલી એક અજાણી મોટરસાયકલ સાથે તેની બાઇક પાછળથી સહેજ અડી ગઈ હતી. આ નજીવી બાબતે અજાણ્યો બાઇક ચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો. જોતજોતામાં ત્યાં હાજર કિશનભાઇ સોસા, ચિરાગ રાઠોડ તથા એક અજાણ્યા શખ્સ સહિત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને યુવકને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કરી દીધું હતું.પોતાના ભાઈને માર મારવામાં આવી રહ્યો છે તેવી જાણ થતાં જ સતીષભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વચગાળામાં પડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેમને પણ પકડીને ઢીકાપાટુથી માર માર્યો હતો. આ દરમિયાન એક આરોપીએ તેમના કપાળના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા, જ્યાં તેમને કપાળ પર બે ટાંકા આવ્યા છે. આ દ્રશ્ય જોઈને તેમના કાકાનો બીજો દીકરો નિતેશ પણ ભાઈઓને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. પરંતુ હુમલાખોરોએ તેને પણ છોડ્યો ન હતો. ત્રણેય આરોપીઓએ નિતેશને ઘેરી લઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને “જો હવે પછી સામે મળ્યા છો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.








































