ગોંડલ શહેરના સાંઢીયા પુલ પાસેની વૃંદાવન સોસાયટી-૫ ના રહીશોએ વીજ તંત્રના ધાંધિયાથી કંટાળીને આજે PGVCL કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી રાત્રે ૧૨ વાગ્યા પછી અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે. સતત ૫ થી ૬ કલાક સુધી લાઈટો ન આવતા રહીશોને જાગરણ કરવાનો વારો આવ્યો છે. ૪૦ ડિગ્રીથી વધુની ગરમીમાં કલાકો સુધી પંખા અને એસી બંધ રહેતા નાના બાળકો અને બીમાર વૃધ્ધોની હાલત અત્યંત દયનીય બને છે. માત્ર વીજ કાપ જ નહીં, પરંતુ વોલ્ટેજમાં આવતી ભારે વધ-ઘટને કારણે સોસાયટીના અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ અને એસી જેવા કિંમતી વીજ ઉપકરણો બળી ગયા છે, જેનાથી રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.અગાઉ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. સોસાયટીના ૧૦૦થી વધુ મહિલાઓ અને પુરુષોનું ટોળું એકત્ર થઈને સીધું જ GEB કચેરીએ પહોંચ્યું હતું.








































