નવસારી જિલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. પક્ષમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ચૂંટણી ફોર્મ પરત ખેંચી લેતા જિલ્લા કોંગ્રેસના ૧૬ કાર્યકર્તાઓ સામે કોંગ્રેસ હાઈકમાન્ડે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિર્દેશ પર તમામ કાર્યકરોને આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં ચીખલી તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વલ્લભ દેશમુખ અને ગણદેવી મહિલા કોંગ્રેસ પ્રમુખ સરોજબેન પટેલ જેવા અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે. માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ ૧૦ તાલુકા પંચાયત અને ૬ જિલ્લા પંચાયતના ઉમેદવારોએ અચાનક ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે પક્ષને રાજકીય નુકસાન પહોંચ્યું હોવાનું કોંગ્રેસ સંગઠન માની રહ્યું છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ એ જણાવ્યું હતું કે પક્ષ સાથે દગો કરનાર કાર્યકરો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સંગઠનને મજબૂત બનાવવા અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આગામી સમયમાં પણ પાર્ટી વિરોધી કામ કરનાર નેતાઓ અને કાર્યકરો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આ નિર્ણયને જિલ્લામાં સંગઠનાત્મક શિસ્તનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ કાર્યવાહી બાદ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનમાં નવા સમીકરણો ઉભા થઈ શકે છે. પક્ષ હવે નવા કાર્યકરો, નવા ઉમેદવારો અને નવી વ્યૂહરચના સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા તૈયારી કરી રહ્યું છે.







































