ઢુવા માટેલ રોડ પર ગત ૨૭મી એપ્રિલના રોજ અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ ચલાવી હતી. મૃતકની ઓળખ મેળવી પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ પુરુષની હત્યા બીજું કોઈ નહીં પરંતુ તેની પત્નીએ જ કરાવી હતી. પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો થતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે પત્ની, પ્રેમી સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં અર્ધસળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સીસીટીવી ચેક કરી તેમજ આજુબાજુમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકના ફોટો બતાવતા મૃતકની ઓળખ થઇ હતી. મૃતક છગનભાઈ પાંચિયાભાઈ નીનામા (રહે. મધ્યપ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. જેની હત્યા કરનાર પવન ભંવરલાલ નીનામા (ઉ.વ.૨૯) અને સુમન છગનભાઈ પાંચિયા (ઉ.વ.૩૫) અને દેવલીબાઈ ગંગારામ પાલુ ગીરેવાલને (રહે. ત્રણેય મધ્યપ્રદેશ) ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે.
બનાવ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે, મૃતક છગનલાલ નીનામા પરિવાર સાથે એમપી રહેતો હતો અને પત્ની સાથે નહિ બનતા છૂટા પડ્યા હતા. પત્ની પ્રેમી પવન નીનામા જે ઢુવા પાસે કારખાનામાં લેબર કોન્ટ્રાકટર હતો તેની સાથે બાળકોને લઈને રહેવા આવી ગઈ હતી. બાદમાં યુદ્ધને પગલે ફેકટરીઓ બંધ થતા પત્ની વતન ગઈ હતી. પરંતુ તે મોબાઈલથી પ્રેમી પવનના સંપર્કમાં હતી.
પત્ની સુમન અને સાસુ દેવલીબેને છગનને વતનથી વાંકાનેર બોલાવ્યો હતો. પવનના ઇશારે ઢુવા માટેલ રોડ પર છગનને લઈ જવામાં આવતો હતો. ત્યારે અવાવરૂ જગ્યા આવતા પવને પાછળથી ટુંપો દઈને પતાવી દીધો હતો બાદમાં મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો.
પ્રેમીએ ટુંપો દઈને હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય ઇસમોએ દોરીથી ગળેટુંપો આપી હાથ દોડી વડે બંધ મૃતદેહ સળગાવી નાખ્યો હતો. હાથ બાંધેલા હોવાથી પોલીસને શંકા જન્મી હતી અને હત્યાની આશંકા સાથે ગુનાની તપાસ કરી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને પત્ની, પ્રેમી સહિત ત્રણેય ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.










































