યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તાજેતરના એક સર્વે અનુસાર, તેમનું એકંદર મંજૂરી રેટિંગ ઘટીને ૩૭ ટકા થઈ ગયું છે, જ્યારે ૬૬ ટકા અમેરિકનો તેમની આર્થિક નીતિઓથી અસંતુષ્ટ છે. આ સર્વે વોશિંગ્ટન પોસ્ટ, એબીસી ન્યૂઝ અને ઇપ્સોસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા આ સર્વેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે આર્થિક મુદ્દાઓ પર ટ્રમ્પનું વલણ નબળું પડી ગયું છે.
અર્થતંત્ર પર ટ્રમ્પનું મંજૂરી રેટિંગ ૭ પોઈન્ટ ઘટીને ૩૪ ટકા થઈ ગયું છે. ફુગાવા પર તેમનું મંજૂરી રેટિંગ ૫ પોઈન્ટ ઘટીને ૨૭ ટકા થઈ ગયું છે, જ્યારે જીવનનિર્વાહના ખર્ચ પર તેમનું મંજૂરી રેટિંગ ૨૩ ટકાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. ૭૬ ટકા લોકોએ આ મુદ્દા પર અસંમતિ વ્યક્ત કરી. બળતણના વધતા ભાવોએ પણ તેમની લોકપ્રિયતાને સ્પષ્ટપણે અસર કરી છે. ઈરાન સાથે વધતા તણાવને કારણે ટ્રમ્પ પર લોકોના વિશ્વાસ પર પણ અસર પડી છે. સર્વે અનુસાર, ૬૬ ટકા અમેરિકનોએ ઈરાન પ્રત્યેના તેમના વ્યવહારને નાપસંદ કર્યો હતો, જ્યારે માત્ર ૩૩ ટકા લોકોએ મંજૂરી આપી હતી.
સર્વેના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ટ્રમ્પની નીતિઓ પ્રત્યે જાહેર અસંતોષ પણ વધ્યો છે. જાકે, ટ્રમ્પને અન્ય મુદ્દાઓ કરતાં ઇમિગ્રેશન પર પ્રમાણમાં સારો ટેકો મળ્યો હતો. યુએસ-મેકસીકો સરહદ પર તેમની નીતિઓને ૪૫ ટકા લોકોએ મંજૂરી આપી હતી, જ્યારે ૫૪ ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ સૂચવે છે કે દેશ આ મુદ્દા પર વિભાજિત રહે છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે નોંધપાત્ર સંખ્યામાં અમેરિકનો કોઈપણ રાજકીય પક્ષ પર અવિશ્વાસ કરે છે.
સર્વે અનુસાર, ૨૩ ટકા લોકોએ ઇમિગ્રેશન પર કોઈપણ પક્ષ પર, ૨૭ ટકાએ અર્થતંત્ર પર, ૨૮ ટકાએ ગુના પર અને ૩૩ ટકાએ ફુગાવા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ટ્રમ્પનું એકંદર મંજૂરી રેટિંગ, જે ફેબ્રુઆરીમાં ૩૯ ટકા હતું, તે હવે ઘટીને ૩૭ ટકા થઈ ગયું છે, જ્યારે તેમનું અસ્વીકાર રેટિંગ ૬૨ ટકા થઈ ગયું છે. આ તેમના બંને કાર્યકાળમાં અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર છે. જો કે, રિપબ્લીકન સમર્થકોમાં તેમની લોકપ્રિયતા મજબૂત રહે છે, સમર્થન ૮૫ ટકાની આસપાસ છે.








































