દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં બ્રિકસ બેઠક ૨૦૨૬ યોજાવા જઈ રહી છે. વાસ્તવમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી ૧૧ અને ૧૨ મે દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી બ્રિકસ દેશોની ડેલિગેશન કક્ષાની બેઠક યોજાવાની છે. આ બેઠકનું આયોજન કેન્દ્રીય વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારત માટે રાજનૈતિક દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, બ્રિકસ બેઠક ૨૦૨૬નું સ્થળ તરીકે શહેરની પ્રતિષ્ઠિત હોટલ લીલાની પસંદગી કરવામાં આવી છે, જ્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બે દિવસીય બેઠકમાં બ્રિકસ ગઠબંધનના સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે અને આર્થિક સહકાર, વૈશ્વિક નીતિઓ, વેપાર, સુરક્ષા તેમજ વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
ખાસ કરીને, વૈશ્વિક પડકારો સામે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે ગાંધીનગરમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવું એ રાજ્ય માટે ગૌરવની બાબત છે.