બગસરા તાલુકાના સૌથી મોટા ગામ અને ભાજપના મજબૂત ગઢ ગણાતા હામાપુરમાં આ વખતે જે પરિણામો આવ્યા છે તેણે રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના હોદ્દેદારોને વિચારતા કરી દીધા છે. વર્ષોથી ભાજપ પ્રત્યે વફાદાર રહેલા આ ગામમાં આ વખતે આમ આદમી પાર્ટીને જંગી લીડ મળતા આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે આ ગામને તાલુકામાં સૌથી વધુ ગ્રાન્ટ અને સુવિધાઓ ફાળવવામાં આવતી હોય છે, છતાં ચાર બુથોમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારને માત્ર ૬૧૪ મત મળ્યા, જ્યારે તેની સામે આમ આદમી પાર્ટીને ૧૧૦૩ મતો મળતા મોટું ગાબડું પડ્યું છે. તાલુકા પંચાયતની બેઠક પર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના જ સ્થાનિક આગેવાનોની અવગણના થવાને કારણે આંતરિક વિરોધના ફળસ્વરૂપે આ પરિણામ આવ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પરિવર્તન ‘આપ’ ની લોકપ્રિયતા છે કે ભાજપના કાર્યકરોનો આક્રોશ.





































