મામલતદાર કચેરીના કરાર આધારિત કર્મચારીએ રૂ.૩૮૦૦૦ પડાવ્યા બાદ ખોટા સહી-સિક્કા કરી આપ્યા હતા
વડિયાના ભૂખલી સાંથળી ગામે રહેતા ખેડૂત જાદવ રવજીભાઈ દેવાભાઈ સાથે જમીનના મૂળ હુકમના કાગળો કઢાવવાના બહાને છેતરપિંડી થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ખેડૂતે જ્યારે પોતાના દસ્તાવેજો માટે મામલતદાર કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ઊંચી ઓળખાણ હોવાનો દાવો કરી ખર્ચ પેટે રૂ. ૩૮,૦૦૦ પડાવ્યા હતા. કરાર આધારિત કર્મચારીએ ગત ૧૭ જાન્યુઆરીના રોજ ખેડૂતને ફાઈલ પરત કરી હતી. પરંતુ આ ફાઈલના કાગળો પર ક્યાંય મામલતદારના સહી-સિક્કા ન હોવાથી રવજીભાઈએ પૃચ્છા કરતા કરાર આધારિત કર્મચારીએ ઓફિસમાં વધુ રૂ. ૧૫,૦૦૦ નો વહીવટ કરવો પડશે તેમ જણાવ્યું હતું.આ સમગ્ર મામલે શંકા જતાં ખેડૂત રવજીભાઈ જાદવ ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ મામલતદાર સમક્ષ રૂબરૂ જઈ અને આ બાબતે રજૂઆત કરી હતી. મામલતદારે ખેડૂતની ફાઈલની ચકાસણી કરતા તે ડમી હોવાનું માલૂમ પડ્યું હતું જેથી તાત્કાલિક તે ફાઈલ જપ્ત કરી લીધી હતી. સરકારી કચેરીના જવાબદાર અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે આ નકલો પર કરવામાં આવેલા સિક્કા અને સહીઓ આ કચેરીના કોઈ અધિકૃત વ્યક્તિના નથી. આ સાથે જ મામલતદારે ખેડૂતને ચેતવણી આપી હતી કે જો આ ખોટા કાગળોનો ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવશે તો ભારતીય ન્યાયસંહિતા ૨૦૨૩ની કલમ ૩૪૦ મુજબ ગુનો બનશે. મામલતદારે આ બાબતે છેતરપિંડી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા લેખિત આદેશ આપ્યો હતો.આ આદેશના આધારે ખેડૂત રવજીભાઈએ ૧૧ માર્ચના રોજ વડિયા પોલીસ મથકમાં રવિ ઘેલાભાઈ જાદવ સામે લેખિત અરજી આપી હતી. અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે કરાર આધારિત કર્મચારીએ સરકારી હોદ્દા અને સિક્કાઓનો દુરુપયોગ કરી છેતરપીંડી આચરી છે. આટલો મોટો આર્થિક ભ્રષ્ટાચાર અને સરકારી સહી-સિક્કાઓના દુરુપયોગનો ગંભીર મામલો હોવા છતાં, અરજી આપ્યાના ર૦ દિવસ વીતી ગયા પછી પણ વડિયા પોલીસે હજુ સુધી કોઈ કરાર આધારિત કર્મચારી સામે ફરિયાદ દાખલ કરી નથી. પોલીસની આ ઢીલી અને શંકાસ્પદ નીતિને કારણે લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે કચેરીના અસલી સિક્કાઓ આવા કેટલાય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસે હશે અને હજુ કેટલા નિર્દોષ લોકો તેનો ભોગ બન્યા હશે. જો કલેક્ટર કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે કડક પગલાં નહીં ભરે તો સરકારી સત્તાનો દુરુપયોગ વધશે અને ભ્રષ્ટાચાર માઝા મૂકશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પોલીસની કામગીરી સામે સવાલો
ભુખલી સાંથળી ગામના ખેડૂત પાસેથી મામલતદાર કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીએ રૂ.૩૮૦૦૦ પડાવ્યા બાદ ફાઈલમાં બોગસ સહી-સિક્કા કરી આપ્યા હોવાનુ મામલતદારને ધ્યાને આવતા પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો હતો. ખેડૂતે મામલતદારના આદેશ બાદ વડીયા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કરાર આધારિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેની લાજ કાઢતી હોય તેવુ લાગી રહ્યુ છે. તાલુકા મેજિસ્ટ્રેટની સુચના હોવા છતાં પોલીસ કર્મચારીને છાવરી રહી છે. જેથી આ સમગ્ર બનાવમાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.










































