એક નાનકડું ગામ હતું. એ ગામમાં મનુ નામના છોકરાના ઘરે એક બહુ જ હોંશિયાર બિલાડી રહેતી હતી. એનું નામ હતું ‘ચતુર બિલાડી’. ચતુર બિલાડી પોતાને બહુ જ સ્માર્ટ સમજતી. મનુ આખો દિવસ કમ્પ્યૂટર પર બેસીને કંઈક ને કંઈક કરતો રહેતો. બિલાડીને થયું, “આ મનુ આખો દિવસ આ ડબ્બામાં શું જોયા કરે છે? લાવ, આજે તો હું પણ શીખી લઉં!”
એક દિવસ મનુ બપોરે ઊંઘતો હતો. ચતુર બિલાડી દબાતા પગલે કમ્પ્યૂટર ટેબલ પર ચઢી ગઈ. એણે જોયું તો બાજુમાં એક નાનકડું કાળું સાધન પડ્યું હતું. મનુ એને ‘માઉસ’ કહેતો હતો.
બિલ્લીના કાન ચમક્યા! એણે વિચાર્યું, “અરે વાહ! મનુ તો બહુ નસીબદાર છે. એની પાસે તો આવું પ્લાસ્ટિકનું ઉંદરડું છે જે ક્યારેય ભાગતું નથી. લાવ, આજે તો આ ઉંદરનો શિકાર કરી લઉં!” બિલાડીએ જેવો માઉસ પર પંજો માર્યો કે તરત જ કમ્પ્યૂટરની સ્ક્રીન પર એક તીર (કર્સર) હલવા લાગ્યું. બિલાડી તો ડરી ગઈ! એને લાગ્યું કે ઉંદરડું અંદર છુપાયેલું છે.
બિલાડીએ માઉસ પકડવા માટે કૂદકો માર્યો અને એ સીધી જઈને પડી કીબોર્ડ પર. કીબોર્ડ પર એના પંજા પડતાં જ ટક-ટક-ટક અવાજ થવા લાગ્યો. સ્ક્રીન પર લખાયુંઃ “aaaaa bbbbb zzzzz”.
બિલાડી તો રાજી થઈ ગઈ! એને લાગ્યું કે એણે કોઈ નવી ભાષા શોધી કાઢી છે. એ તો કીબોર્ડ પર નાચવા લાગી. ક્યારેક ‘એન્ટર’ દબાય તો ક્યારેક ‘સ્પેસ બાર’. કમ્પ્યૂટરમાંથી અચાનક અવાજ આવ્યો— “બ્રીપ… બ્રીપ…!” બિલાડીને લાગ્યું કે કમ્પ્યૂટર એની સાથે વાતો કરી રહ્યું છે. એણે પણ સામે જવાબ આપ્યો, “મ્યાઉં… મ્યાઉં…!”
નાચતા-નાચતા બિલાડીનો પંજો ક્યાંક એવો દબાયો ને એમાં એક વીડિયો પ્લે થયો. જેમાં ઘણા બધા ઉંદરડા દોડતા હતા. બિલાડીની આંખો તો ફાટી ગઈ! એણે વિચાર્યું, “ઓહો! આ ડબ્બામાં તો આટલા બધા ઉંદર? આજે તો પેટ ભરીને જમીશ!”
એણે જોરથી સ્ક્રીન પર પંજો માર્યો. પણ અરે! આ શું? ઉંદર તો પકડાતા જ નહોતા! એ તો કાચની પાછળ હતા. બિલાડીએ માથું ખંજવાળ્યું. એણે વિચાર્યું, “આ કમ્પ્યૂટરના ઉંદર તો બહુ પાકા છે, પકડાતા જ નથી!”
બિલ્લીની ધમાચકડી અને કીબોર્ડના અવાજથી મનુ જાગી ગયો. એણે જોયું તો બિલાડી ટેબલ પર બેસીને ગંભીરતાથી મોનિટર સામે જોઈ રહી હતી. મનુ ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, “અરે ચતુર! તારે કમ્પ્યૂટર શીખવું છે? પણ આ માઉસ ખાવા માટે નથી, કામ કરવા માટે છે!”
મનુએ બિલાડીને ખોળામાં બેસાડી અને કમ્પ્યૂટર સામે બેસી ગયો. બિલ્લી એકીટશે મનુને જોઈ રહી! MO. ૯૦૯૯૧૭૨૧૭૭










































