રાજ્ય સરકાર દ્વારા કૃષિકારોને સશક્ત બનાવવા માટે જાહેર કરાયેલા રૂ. ૧૫,૦૦૦ કરોડના ટેકાના ભાવે ખરીદી કાર્યક્રમનો અમરેલી જિલ્લામાં સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ૬૧,૦૫૨ ખેડૂતો પાસેથી કુલ ૧.૩૫ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. નાફેડ મારફતે કાર્યરત ૧૮ ખરીદી કેન્દ્રો
પરથી અંદાજિત રૂ. ૯૮૨ કરોડથી વધુની મગફળી ટેકાના ભાવે ખરીદાઈ છે, જેના કારણે ખેડૂતોને બજારની અસ્થિરતા સામે રક્ષણ અને આવકમાં સ્થિરતા મળી છે. ગત ઓક્ટોબરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે અમલમાં મુકાયેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લામાં ૨.૨૩ લાખ ખેડૂતોને રૂ. ૭૪૯ કરોડથી વધુની સહાય સીધી જ બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સમયસર મળેલી આ સહાયથી ખેડૂતોને ફરી ખેતી કાર્ય શરૂ કરવામાં મદદ મળી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦,૩૩૮ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેસર અને પંપસેટ જેવા સાધનો માટે રૂ. ૩૫.૫૨ કરોડની સહાય આપવામાં આવી છે. યાંત્રિકીકરણથી
ઉત્પાદનક્ષમતા વધતી જોવા મળી રહી છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જિલ્લામાં ૧.૮૧ લાખ ખેડૂત પરિવારોને ૨૧ હપ્તામાં રૂ. ૨,૦૦૦ લેખે સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વારસદારોને રૂ. ૨૨૮ લાખની સહાય ચૂકવાઈ છે. ખરીફમાં ૫.૫૦ લાખ હેક્ટર અને રવિમાં ૧.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાતા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે.









































