રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન અમરેલીના એડવોકેટ અમીત પી. ચોવટીયા દ્વારા ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાત સ્ટેમ્પ (સુધારા) વિધેયક ૨૦૨૫, મુખ્ય અધિનિયમ ૧૯૫૮ના ખંડ (ખ) ૧ ની કલમ ૩૯ના અમલીકરણ બાબતે ફેરવિચારણા કરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નવા સુધારા મુજબ જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા રજૂઆત કરે તો તેને ખૂટતી રકમના ૪ ગણા સુધીનો અને જો કલેક્ટર આપમેળે કે કોર્ટના સંદર્ભે કાર્યવાહી કરે તો ખૂટતી રકમના ૬ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. આ સુધારાને કારણે ભૂતકાળમાં થયેલી નોંધો પર પણ અત્યાર સુધીના વ્યાજની ગણતરી થતાં ખેડૂતો પર રૂપિયા ૫ લાખથી લઈ ૫૦ લાખ સુધીના જંગી ચલણ આવે છે. જેના પરિણામે સામાન્ય ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તેમના રેવન્યુ વ્યવહારો અટકી પડ્યા છે.
વધુમાં એસોસીએશને જણાવ્યું છે કે, સરકારના ૧૪/૦૩/૨૦૧૬ના પરિપત્ર મુજબ ખેતીની જમીનમાં હયાતીમાં વહેંચણી કે સીધી લીટીના વારસદારોમાં મિલકત તબદીલી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્ત છે. તેમ છતાં, જ્યારે ખેડૂતો કોઈ ચોક્કસ નોંધ માટે અરજી કરે છે ત્યારે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા જૂની હયાતીની વહેંચણી કે વારસાઈ હક્કની નોંધોને પણ ધ્યાને લઈ આપમેળે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરવામાં આવે છે, જે નિયમોથી વિપરીત છે. આથી, ખેડૂતોના હિતમાં વિધેયકમાં યોગ્ય સુધારો કરવા અને હયાતીમાં વહેંચણી જેવી બાબતોમાં સ્પષ્ટતા કરતો પરિપત્ર બહાર પાડવા અમરેલી રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશને નમ્ર વિનંતી કરી છે.








































