લીલીયા મોટા શહેરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર તહેવારની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ઠંડા પીણા, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇદે મિલાદના જુલૂસમાં કોમી એકતા અને ભાઈચારાથી સામાજિક સૌહાર્દનો સંદેશ પ્રસર્યો હતો. વહેલી સવારે મસ્જિદોમાં ફઝરની નમાઝ અદા કરાઈ હતી. હઝરત મહંમદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર અને ઉપદેશોને યાદ કરીને તેમના આદર્શોનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવેલ. શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ રીતે ઈદ-એ-મિલાદનું જુલૂસ નીકળ્યું હતું, જુલૂસમાં લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા, ભીખાભાઈ ધોરાજીયા, કેપ્ટન ધામત સહિતના આગેવાનોએ પણ હાજરી આપી સૌને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. સાળુકે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.









































