વૈજ્ઞાનિક ઢબે ખેતી કર્યા બાદ અનાજનું જે ઉત્પાદન થાય તેમાંથી કેટલાકનો સંગ્રહ કરવામાં આવે છે. અનાજ મનુષ્યની પ્રાથમિક જરૂરીયાત છે અને અનાજનું ઉત્પાદન ઋતુ પ્રમાણે થતુ હોય છે. તેમાંથી લગભગ ૭૦ થી ૮૦ ટકા જેટલું અનાજ ખોરાક, પશુ આહાર, બિયારણ અને વેચાણના હેતુસર ખેડૂતો તેમજ વાપરનારા સંગ્રહ કરે છે. અનાજ મુખ્યત્વે કાંજી, પ્રોટીન, વિટામીન, ખનીજ તત્વો, ચરબી, રેસાયુક્ત સેલ્યુલોઝ તથા ભેજ સ્વરૂપે પાણી ધરાવે છે. અનાજના બગાડ માટે મુખ્યત્વે ચાર પરિબળો (ભૌતિક, યાંત્રિક, રાસાયણિક અને જૈવિક) જવાબદાર હોય છે. તે પૈકી જૈવિક પરિબળ ખુબજ મહત્વનું ગણાય છે. અનાજના સંગ્રહ દરમ્યાન ભેજ, તાપમાન, જીવાતો અને ફૂગથી ઘણુ નુકસાન થાય છે. આ પૈકી જીવાતોથી થતુ નુકસાન મુખ્ય છે. પ્રાથમિક જીવાતોનો ઉપદ્રવ ખેતર અને ગોડાઉનમાં જોવા મળે છે. જે આખા દાણાને નુકસાન કરે છે. જ્યારે દ્વિતીય પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ફક્ત ગોડાઉનથી શરૂ થાય છે અને તે ભાંગેલા અથવા પ્રાથમિક જીવાતોથી નુકસાન થયેલા દાણાઓ ઉપર નભે છે. સંગ્રહિત અનાજમાં અંદાજે એક ડઝન જેટલી જીવાતો આર્થિક નુકસાન કરે છે. એક અંદાજ મુજબ દેશમાં કુલ સંગ્રહેલા અનાજના લગભગ દસમા ભાગમાં સંગ્રહ દરમ્યાન નુકસાન થઈ જાય છે. તેમાં ૨.૫ ટકા કીટકોથી નુકસાન થાય છે. સંગ્રહિત અનાજમાં સામાન્ય રીતે જોવા મળતી જીવાતો અંગેની માહિતી અત્રે દર્શાવવામાં આવેલ છે.
ચોખાનું ચાંચવુ (રાઈસ વિવીલ:- રાતા બદામી રંગના પુખ્ત કીટકનું મોઢુ પક્ષીની ચાંચ જેવુ હોય છે. પુખ્ત કીટક ૩ થી ૪ મિ.મી. લાંબુ હોય છે. વક્ષ ઉપર ગોળ ખાંચા હોય છે. જ્યારે પાંખો ઉપર પીળા રંગના ૪ ટપકાં હોય છે. પાછળની પાંખો ઉડવા માટે મજબૂત હોય છે. ઈયળ કરચલીવાળી સફેદ રંગની બદામી માથાંવાળી અને પગ વગરની હોય છે. ઈયળ અને પુખ્ત અવસ્થા ચોખા, જુવાર, મકાઈ, ઘઉં, વગેરેના દાણામાં દાખલ થઈ અંદરથી કોરી ખાય છે. પ્રાથમિક જીવાત છે.
ઘઉંની વાતરી (ખાપરા બીટલ:- બદામી રંગનું લંબગોળ આકારનું કીટક છે. પુખ્ત કીટક ૨ થી ૩ મિ.મી. લાંબુ હોય છે. ઈયળ બદામી રંગની અને શરીરના દરેક અંગ ઉપર વાળના ગુચ્છા જોવા મળે છે. જ્યારે ઉદર પ્રદેશના છેડે આવા વાળની પુછડી જેવી રચના હોય છે.
ફકત ઈયળ અવસ્થા ઘઉં, મકાઈ, જુવાર, કઠોળ, તેલીબીયાના દાણાને શરૂઆતમાં ભ્રુણ ખાઈને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો દાણાને ભુસામાં ફેરવી નાખે છે. આ જીવાતને વધુ માત્રામાં પ્રાણવાયુની જરૂરીયાત હોઈ કોથળામાં ફરતે અને કોઠારમાં ઉપરના થરમાં જોવા મળે છે. પ્રાથમિક જીવાત છે.
આંધળા જીવડા (લેસર ગ્રેઈન બોરર:- પુખ્ત કિટકો ૨ થી ૩ મિ.મી. લાંબા, બદામી રંગના કીટકનું માથું નીચે તરફ નમેલુ હોય છે. ઈયળો પીળાશ પડતા રંગની અને આગળનાં ત્રણ ખંગ વિકસીત હોય છે. પુખ્ત અને ઈયળ બન્ને નુકસાન કરે છે. દાણા ઉપર અનિયમીત કાણાં પાડે છે. દાણાંને અંદરથી કોરી નાખી ફક્ત તેનુ કાણાંવાળુ ફોતરુ જ રહેવા દે છે. અનાજ ભરેલી ગુણો ઉપર લોટની નાની નાની ઢગલી જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત થતો હોવાથી “હોટસ્પોટ” જોવા મળે છે. પ્રાથમિક જીવાત છે.
કઠોળના ભોટવા
(પલ્સ બીટલ:- આ જીવાતના પુખ્ત. બદામી રંગના હૃદયાકારના હાય છે. પાંખોથી ઉદર પ્રદેશનો છેડાનો ભાગ પુરતો ઢંકાતો નથી. ઈયળ સફેદ રંગની અને આછા રાખોડી રંગના માથાવાળી અને ગડીવાળા શરીરની તેમજ ૬ થી ૭ મિ.મી. લાંબી હોય છે. તેનો ઉપદ્રવ ખાસ કરીને તમામ પ્રકારના કઠોળ તેમજ મકાઈ, જુવાર અને કપાસિયામાં પણ જોવા મળે છે. ઈયળો દાણામાં દાખલ થઈ અંદરનો ભાગ કોરી ખાય છે. એક દાણામાં ઘણી બધી ઈયળો દાખલ થઈ નુકસાન કરે છે પરંતુ તેમાંથી એક જ ઈયળ વિક્સે છે. પરિણામે ઉપદ્રવીત દાણા કાણાંવાળા અને ખરાબ વાસવાળા હાય છે. તેનાથી સંગ્રહિત કઠોળમાં ૭૦% જેટલું નુકસાન થતું જોવા મળે છે. પ્રાથમિક જીવાત છે.
મગફળીના ભોટવાઃ- રાખોડી રંગનું પુખ્ત કીટક કઠોળના ભોટવા કરતા કદમાં મોટુ આશરે ૪ થી ૭ મિ. મિ. લંબાઈ ધરાવે છે. ઈયળ ગુલાબી રંગની હોય છે. ફક્ત ઈયળ અવસ્થા મગફળી, આંબલીના બીયા તથા લેગ્યુમીનેસી કુળના ઝાડના બીયાને નુક્સાન કરે છે. ઈયળ મગફળીના દાણા કે ડોડવામાં દાખલ થઈ દાણાનો અંદરનો ભાગ ખાઈને બોગદુ બનાવે છે. આ જીવાતની વૃધ્ધિ માટે પ્રાણવાયુની જરૂરીયાત હોઈ કોથળામાં ફરતે અને મગફળીના ઢગલામાં ઉપરની ૫૦ સે.મી. ઉંડાઈ સુધી જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત થતો હોવાથી મગફળીના ડોડવાના ઝુમખા બની જાય છે. તે પ્રાથમિક જીવાત હોય મગફળીના સંગ્રહ દરમ્યાન ખૂબજ નુકસાન
કરે છે. રાતા સરસરિયા (રેડ રસ્ટ ફ્‌લોર બીટલ):- રાતા બદામી, ચપટા અને સુંવાળા કીટક છે. પુખ્ત ૩ થી ૪ મિ.મી. લાંબા હોય છે. પુખ્ત અવસ્થા અનાજ, લોટ તેમજ લોટની બનાવટને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો લોટ બગડી જવાથી વાસ આવે છે.
દ્વિતીય પ્રકારની જીવાત છે. જે આખા દાણાને નુકસાન કરી શકતી નથી.
ઝીંઝણી (સો ટુથેડ ગ્રેઈન બીટલ:- પુખ્ત કિટક ૨ થી ૩ મિ.મી. લાંબુ, બદામી રંગનું અને ચપટુ હોય છે. વક્ષની ઉપરની બાજુએ બે ખાડાઓ અને ત્રણ ધારો તેમ જ બંને બાજુએ કરવત જેવી રચના જોવા મળે છે. ઈયળ અને પુખ્ત અવસ્થા ચોખા, ઘઉં, મકાઈ, ધાન્ય પાકોની બનાવટો, તેલિબીયાં અને સુકા મેવામાં નુકસાન કરે છે.
અનાજનું ફુદું (એંગ્યુમોઈસ ગ્રેઈન મોથ:- સુકા ઘાસના રંગનું સાંકડી પાંખોવાળુ પુખ્ત કીટક ૮ થી ૧૦ મિ.મી. લાંબુ હોય છે. પાંખોની નીચેની કિનારીએ મુલાયમ વાળની ઝાલર આવેલી હોય છે. ઈયળ સફેદ રંગની અને પીળાશ પડતા બદામી રંગનાં માથાંવાળી હોય છે. ઈયળ અવસ્થા દાણામાં દાખલ થઈને અંદરનો બધોજ ભાગ કોરી ખાય નુકસાન કરે છે. જીવાતનો ઉપદ્રવ ઉપરના ૩૦ સે.મી. થરમાં વધુ જોવા મળે છે.
ચોખાનું ફુદું (રાઈસ મોથ:- ફૂદું આછા રાખોડી રંગનું અને શરીરે રુંવાટીવાળું ૧૪ થી ૨૪ મિ.મી. લાંબુ અને પાંખોની કીનારી ઉપર મુલાયમ વાળની ઝાલર ધરાવે છે. મેલા રંગની ઈયળોના શરીર ઉપર ભુરા રંગના ટપકા જોવા મળે છે, જયારે માથું પીળાશ પડતા રંગનું હોય છે. ફક્ત ઈયળ અવસ્થા ચોખા, જુવાર, બાજરી અને મગફળીને નુકસાન કરે છે. નાની ઈયળો તુટેલા દાણાને તેમજ મોટી ઈયળો દાણાને કોરીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો જાળાના સ્વરુપમાં ફેરવાય છે તેમજ ઉપદ્રવિત અનાજમાંથી ખરાબ વાસ આવે છે.
લોટનુ ફુદું (ઈન્ડીયન મીલ મોથ):ફૂદાની અગ્ર પાંખની આગળની બાજુ પીળાશ પડતાં સફેદ રંગનો ભૂરો ત્રાંસો પટ્ટો જોવા મળે છે. ફુદું જ્યારે બેઠેલું હાય ત્યારે તેની શૃંગીકા એકબીજા પરથી પસાર થઈ પાંખ પર ગોઠવાયેલી હોય છે. ઈયળ ભૂખરા રંગની અને શરીરે વાળવાળી હોય છે. ફક્ત ઈયળ અવસ્થા ચોખા, જુવાર, મકાઈ, બાજરી, સુકા મેવા, મગફળી વગેરેને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ વખતે રેશમી ઝાળા જોવા મળે છે. આ પણ એક પ્રાથમિક જીવાત છે.
અંજીરનુ ફુંદુ (ફીગ મોથ:-પુખ્ત ભુખરા રંગનું અને અનાજનાં ફુદાં કરતા મોટુ હોય છે. જેની આગળની પાંખો ઉપર ત્રાંસા પટ્ટા હોય છે. ઈયળો ૧૨ થી ૧૫ મિ.મી. લાંબી, રતાશ પડતી સફેદ રંગની હોય છે. ઈયળો ઘઉં, ચોખા, જુવાર, મકાઈ, બાજરી, સુકા મેવા, મસાલા તથા લોટ વગેરેને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો અનાજની ગુણો, ભોયતળીયું વગેરે રેશમી તાંતણામાંથી બનાવેલા ઝાળાથી છવાઈ જાય છે.
(સીગારેટ બીટલ:- પુખ્ત કીટક લંબગોળ, રાતા બદામી રંગનું અને ૨ થી ૩ મિ.મી. લંબાઈ ધરાવે છે. ઈયળ આછી સફેદ અને અંગ્રેજી “સી” આકારની હોય છે. બીડી તમાકુ અને તેની બનાવટો ઉપરાંત હળદર, સુંઠ, કોકોબીન, અફીણ, જીરુ વિગેરેમાં કાણાં પાડી નુકસાન કરે છે.
અનાજની કથીરી (ગ્રેઈન માઈટ:- કીટક સિવાયની આ જીવાત આઠ પગ ધરાવે છે. પાનકથીરી બીજના અંકુરને નુકસાન કરે છે. જેથી તે બીજ ઉગવાલાયક રહેતા નથી. આ જીવાતનાં ઉપદ્રવથી અનાજમાં ખરાબ વાસ આવે છે. આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિના મેરૂદંડી સમુદાયના રોડેન્ટીયા શ્રેણીના સસ્તન વર્ગમાં ઉંદરનો સમાવેશ થાય છે. ખેતરમાં પાકની વાવણીથી માંડીને કાપણી અને તેના સંગ્રહ દરમ્યાન નુકસાન કરે છે.આમ, સંગ્રહિત અનાજમાં જીવાતથી થતાં નુકસાનને ધ્યાનમાં રાખી જીવાતોની ઓળખ અને તેનાથી થતું નુકસાન ધ્યાનમાં લઈ જરૂરી પગલાં લેવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય.