બગસરા તાલુકાના શીલાણા ગામે રહેતો ખુશાલ ધીરૂભાઈ વેકરીયા (ઉ.વ.ર૭) જેટકોમાં નોકરી કરતો હોય ત્યારે ગત રાત્રીના સમયે ફરજ પર જતો હતો ત્યારે જામકા અને સનાળીયા ગામ વચ્ચે આવેલા વોકળામાં બાઈક સાથે તણાઈ જતા કર્મચારીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઠ કલાકની શોધખોળ બાદ કર્મચારીની લાશ વોકળામાંથી જ મળી આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ કર્મચારી પહેલા મોરબીમાં ફરજ બજાવતો હતો તાજેતરમાં પોતાના વતન બગસરા જેટકોમાં નોકરીએ લાગ્યો હતો પરંતુ બગસરા પંથકમા ગઈકાલે ભારે વરસાદ હોવાથી વોકળામાં પૂર આવ્યુ હતું જેથી કર્મચારી બાઈક સહિત વોકળાના વહેણમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે કર્મચારીનું બાઈક પાણીમાંથી મળી આવ્યુ હતું પરંતુ કર્મચારીનો કોઇ પત્તો ન લાગતાં અમરેલીથી વાયરલેસ ઓફિસર હરેશભાઇ સરતેજા, કૃષ્ણભાઇ ઓળકિયા, જગદીશભાઇ ભુરીયા, કરણદાન ગઢવી, કમલેશભાઇ જાષી સહિતના ફાયરબ્રિગેડના સ્ટાફે આઠ કલાકની જહેમત બાદ કર્મચારીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. કર્મચારીનો મૃતદેહ મળતા જ શિલાણા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.