આજે ગુજરાતના ત્રણ અગ્રણી શહેરો વડોદરા, સુરત અને જામનગરની મહાનગરપાલિકા કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વડોદરામાં મ્યુનિ. કમિશનર અને મેયરના મેઈલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે.
વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ધમકીભર્યો ઈ-મેઈલ સીધો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યો છે. મેઈલ સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો અને કચેરીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુરત પાલિકા કચેરી પણ આવા જ એક અજ્ઞાત ઈ-મેઈલનો શિકાર બની છે. આજે સવારે કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત શહેરમાં અગાઉ પણ આવા ફેક (ખોટા) મેઈલ આવી ચૂક્યા છે. આ મામલે સાયબર પોલીસે ગુનો નોંધી મેઈલ મોકલનાર આઈપી એડ્રેસને ટ્રેસ કરવાની તપાસ હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બ હોવાનો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા નીચે મુજબની કડક કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે. ધમકી મળતાની સાથે જ જામનગર મહાનગરપાલિકા બિલ્ડીંગનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે અને સામાન્ય લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો છે. બોમ્બ સ્ક્વોડ, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ છે.
સમગ્ર બિલ્ડીંગ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્પોરેશનના દરેક વિભાગ (ડિપાર્ટમેન્ટ) ની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ચેકિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો દ્વારા સતર્કતા (એલર્ટ) વધારી દેવામાં આવી છે.