રાજુલા પંથકમાં વર્ષ ૨૦૨૨માં બનેલી અત્યંત ચકચારી ગેંગરેપની ઘટનામાં રાજુલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓ સુરેશ વાળા, ગોપાલ બાળધીયા, પ્રકાશ સાંખટ અને હિતેષ વાળાને ન્યાયાધીશ ડી.સી. ત્રિવેદીએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ નરાધમોએ સગીરાનો અશ્લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હતું. મુખ્ય સજા ઉપરાંત આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ પણ દંડ અને કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ભોગ બનનાર પીડિતાને ૨ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો માનવીય આદેશ પણ આપ્યો છે. ડુંગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ બાદ લાંબી કાનૂની લડતનો અંત આવ્યો છે અને પીડિત પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં આ ચુકાદાની સરાહના થઈ રહી છે.